Last Updated on by Sampurna Samachar
સડેલુ બિયારણ નીકળતાં ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો
ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાનો દાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
છોટાઉદેપુર તાલુકામાં રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી ‘ન્યુ ગુજરાત પેટર્ન‘ યોજના હેઠળના કૃષિ વૈવિધ્ય પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ગરીબ આદિવાસી ખેડૂતોને આર્થિક મદદ કરવાના હેતુથી આપવામાં આવેલી બિયારણની કીટમાં મકાઈનું બિયારણ સડેલું અને હલકી કક્ષાનું નીકળતા ધરતીપુત્રોમાં રોષ ફાટી નીકળ્યો છે.

છોટાઉદેપુર તાલુકામાં ૧૦૦૦ થી વધુ ખેડૂતો પાસેથી ૫૦૦ રૂપિયાનો ફાળો લઈને તેમને ખાતર, બિયારણ અને દવાની કીટ વિતરણ કરવામાં આવી હતી. જોકે, પાધરવાંટ ગામના ખેડૂતોએ જ્યારે આ કીટ ખોલીને જોઈ તો મકાઈનું બિયારણ સડેલી હાલતમાં જોવા મળ્યું હતું. તંત્ર પર ભરોસો રાખીને કેટલાક ખેડૂતોએ આ બિયારણનું વાવેતર પણ કરી દીધું હતું, પરંતુ દિવસો વીતવા છતાં ખેતરમાં મકાઈનું એક પણ તણખલું ન ઊગતા ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
ખેડૂતોની હાલત પડ્યા પર પાટું જેવી થઈ
ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જે ખેડૂતો બજારમાંથી ખાનગી દુકાનેથી બિયારણ લાવીને વાવ્યું હતું, તેમનો પાક સારી રીતે ઉગી નીકળ્યો છે. જ્યારે સરકારી કીટનું બિયારણ સાવ નિષ્ફળ ગયું છે. આ બાબત સાબિત કરે છે કે અધિકારીઓએ માત્ર ટાર્ગેટ પૂરો કરવા માટે ગુણવત્તાહીન બિયારણ ખેડૂતોને પધરાવી દીધું છે.
એક તરફ કમોસમી વરસાદનો માર, બીજી તરફ તંત્રની બેદરકારી પાધરવાંટના ખેડૂતોની હાલત પડ્યા પર પાટું જેવી થઈ છે. હજુ થોડા સમય પહેલા જ થયેલા કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકમાં ભારે નુકસાન થયું હતું. ખેડૂતો તેમાંથી બેઠા થવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યાં જ સરકાર દ્વારા અપાયેલી કીટમાં પણ દગો મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
આ ઘટનાને પગલે પાધરવાંટ ગામના ખેડૂતોએ એકઠા થઈને તંત્ર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. ખેડૂતોએ ‘નકલી બિયારણ આપવાનું બંધ કરો‘ અને ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે ગરીબ આદિવાસીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે અને રજૂઆતો છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. હાલ તો ખેડૂતોએ માંગ કરી છે કે આ કૌભાંડની તપાસ થાય અને ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે.