Last Updated on by Sampurna Samachar
આમ આદમી પાર્ટીએ ત્રણ બેઠકો જીતી તો કોંગ્રેસે પણ ફાયદામાં
૧૨ વોર્ડમાં ૩૦ નવેમ્બરના રોજ મતદાન થયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૨ વોર્ડમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ સાત અને આમ આદમી પાર્ટીએ ત્રણ બેઠકો જીતી છે. કોંગ્રેસે પણ સંગમ વિહાર-છ બેઠક પર જીત નોંધાવી છે. જે ૧૨ વોર્ડમાં ૩૦ નવેમ્બરના રોજ મતદાન થયું હતું, તેમાંથી નવ બેઠકો અગાઉ ભાજપ પાસે હતી, જ્યારે બાકીની બેઠકો આમ આદમી પાર્ટી પાસે હતી.

વર્ષ ૨૦૨૨માં ૨૫૦ વોર્ડ માટે યોજાયેલી MCD ચૂંટણીમાં ૫૦.૪૭ ટકા મતદાન થયું હતું, તેની સરખામણીમાં આ પેટાચૂંટણીનું મતદાન માત્ર ૩૮.૫૧ ટકા રહ્યું હતું. જે બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી તેમાં મુંડકા, શાલીમાર બાગ—B , અશોક વિહાર, ચાંદની ચોક, ચાંદની મહેલ, દ્વારકા B, ઢીચાઉ કલા, નારાયણા, સંગમ વિહાર છ, દક્ષિણપુરી, ગ્રેટર કૈલાશ અને વિનોદ નગરનો સમાવેશ થાય છે. કુલ ૫૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા, જેમાંથી ૨૬ મહિલાઓ અને ૨૫ પુરુષો હતા.
MCD માં ભાજપે પોતાની મજબૂતાઇ સ્થિર રાખી
આ વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મોટી જીત બાદ, આ પેટાચૂંટણીને દિલ્હીના રાજકીય મૂડની પ્રથમ મોટી કસોટી માનવામાં આવી રહી છે. દિલ્હી નગર નિગમની ૧૨ વોર્ડમાં યોજાયેલી પેટાચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. આ પરિણામો અનુસાર, ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે, જેણે કુલ ૧૨માંથી ૭ બેઠકો પર કબજો કર્યો છે. આ પ્રદર્શન દર્શાવે છે કે MCD ના મતદારોમાં ભાજપની પકડ મજબૂત બની રહી છે. જોકે, ભાજપને ૨ બેઠકો પર આંચકો પણ લાગ્યો છે.
૪ બેઠકોના પ્રથમ પરિણામોમાં ભાજપે ૨, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ૧-૧ બેઠક જીતી હતી. ભાજપના ઉમેદવાર અનીતા જૈને શાલીમાર બાગ બી વોર્ડમાં જીત નોંધાવી છે, જે બેઠક અગાઉ મુખ્યમંત્રી રેખા ગુપ્તા પાસે હતી. ભાજપે અશોક વિહાર બેઠક પર પણ જીત મેળવી છે અને કુલ ૭ બેઠકો જીતી છે.
આમ આદમી પાર્ટીએ ૩ બેઠકો પર જીત નોંધાવી છે, જ્યારે કોંગ્રેસ માત્ર ૧ બેઠક(સંગમ વિહાર છ) જીતવામાં સફળ રહી છે. આ ઉપરાંત, એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે, જે આ પેટાચૂંટણીનું એક ચોંકાવનારું પરિણામ છે. રાજધાનીમાં ત્રણેય મુખ્ય પક્ષોનો વર્તમાન જનાધાર સ્પષ્ટ થાય છે. ભાજપની ૭ બેઠકો પરની જીત MCD માં તેની મજબૂત સ્થિતિને જાળવી રાખે છે.