Last Updated on by Sampurna Samachar
વહેલી સવારે ગંભીરા બ્રિજ તૂટવાની બની હતી ઘટના
મોરબી, તાપી, સુરેન્દ્રનગર અને હવે વડોદરા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર નજીર મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડ્યો હતો. ઘણાં સમયથી જર્જરીત ગંભીરા બ્રિજ તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો જીપ સહિત ૪ વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં ૯ વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે ૯ વ્યક્તિને રેસ્ક્યૂ કરી બચાવી લેવામાં આવ્યા છે. જોકે, ગુજરાતમાં બ્રિજ તૂટવાનો કાળો ઈતિહાસ છે. મોરબી, તાપી, સુરેન્દ્રનગર અને હવે વડોદરા. ગંભીરા બ્રિજ તૂટવાનો આ પહેલો બનાવ નથી. અત્યાર સુધી આવા ઘણા બનાવો બની ચૂક્યા છે.
વાત કરવામાં આવે તો અમદાવાદના મુમતપુર બ્રિજનો એક ભાગ ૨૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ધરાશાયી થયો હતો. મુમતપુરા બ્રિજનો એક સ્પાન પડી ગયો હતો. તેમજ મોરબીના હળવદમાં એક વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો પુલ ૨૬ ઓગષ્ટ ૨૦૨૪ના રોજ ધરાશાયી થઇ ગયો હતો. નવા કોયબાથી જુના કોયબાને જોડતો પુલ ભારે વરસાદમાં ધરાશાયી થઇ ગયો હતો.
હાટકેશ્વર પુલ બન્યો ત્યારથી વિવાદનું ઘર બન્યો હતો
૩૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ તૂટી પડ્યો. જેના કારણે ૧૪૧ લોકોનાં મોત થયા હતા. ૧૯ મી સદીમાં બંધાયેલો પુલ ચાર દિવસ અગાઉ સમારકામ બાદ ખુલ્લો મૂકયો હતો. આ બ્રિજ પર ૫૦૦ થી વધુ લોકો હતા. જ્યારે તેની ક્ષમતા માત્ર ૧૨૫ લોકોની હતી.
સુરત શહેરમાં સારોલીમાં મેટ્રો ફ્લાયઓવરનો એકભાગ ઉદ્ઘાટન થાય એ પહેલા ક્ષતિગ્રસ્ત થતાં નમી ગયો હતો. સાથે બ્રિજનાં સ્લેબમાં તિરાડ પણ પડી હતી. મેટ્રોની કામગીરી સમયે આ બનાવ બન્યો હતો. તેમજ મહેસાણાના આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી જવાની ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ના આ બનાવ બન્યો હતો. બ્રિજને રીપેર કરવા માટે તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ હતી.
ચોટીલાના હબિયાસર ગામમાં ભારે વરસાદથી હબિયાસર ગામ પાસેનો પુલ ધરાશાયી થયો હતો. તંત્ર દ્વારા પૂલ પરથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. આ પુલ અંદાજે પાંચથી વધુ ગામોને જોડતો હતો.
પાલનપુર RTO સર્કલ પાસે નિર્માણાધિન ઓવરબ્રિજ ૨૩ ઓટોબર ૨૦૨૩એ ધરાશાયી થયો હતો. ઓવર બ્રિજનો એક ભાગ તૂટી પડતા રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયા હતા. આરટીઓ સર્કલ ખાતે બની રહેલા ફ્લાયઓવરના બે ગર્ડર તૂટ્યા હતા. જેમાં રીક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું.
ખેડાના પરીએજથી બામણ ગામને જોડતો કેનાલ પરનો બ્રિજ ૪ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ધરાશાયી થયો હતો. આ બ્રિજ લાંબા સમયથી જર્જરિત હતો. વર્ષ ૨૦૨૩માં જૂનાગઢમાં ઉબેણ નદી પરનો ૪૫ વર્ષ જૂનો ધંધુસરના બ્રિજનો કેટલોક ભાગ તૂટ્યો હતો. આ બ્રિજનું ૧૯૭૫માં નિર્માણ થયું હતું.
૨૫ જાન્યુઆરી ૨૦૨૨માં દોઢસો ફૂટ રીંગરોડ પર માધાપર ચોક ખાતે બની રહેલા બ્રિજના કામ દરમિયાન એક પિયર ઉપર કોંક્રિટની કેપની કામગીરી ચાલુ હતી ત્યાં ધસી પડયો હતો. જેમાં બે શ્રમિકો ઇજાગ્રસ્ત થાય હતા. બોટાદના જનડા ગામમાં પાટલીયા નદી પર બનેલો પુલ ધોધમાર વરસાદને કારણે ધરાશાયી થયો હતો. માત્ર ત્રણ વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ તૂટી ગયો હતો.
અમદાવાદનો હાટકેશ્વર પુલ બન્યો ત્યારથી વિવાદનું ઘર બન્યો હતો. વર્ષ-૨૦૧૭ માં રુપિયા ૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ માત્ર ચાર વર્ષથી પણ ઓછા સમયમાં ડેમેજ થઇ ગયો હતો. આ બ્રિજ ૧૦૦ વર્ષના આયુષ્ય સાથે બનાવવામાં આવેલો બ્રિજ માત્ર ૫ વર્ષમાં હાંફી ગયો હતો.