Last Updated on by Sampurna Samachar
મંદિર ખાનગી હોઈ શકે છે, પરંતુ ભગવાન દરેકના છે
મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાની મંજૂરી અપાઇ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરના સંચાલન અને તેની આસપાસના વિસ્તારના વિકાસ પર દેખરેખ રાખવા માટે નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશની આગેવાની હેઠળ એક સમિતિ બનાવવાનો સંકેત આપ્યો છે.

મંદિર વ્યવસ્થાપન સમિતિએ મંદિરના સંચાલન અંગે રાજ્ય સરકારના વટહુકમનો વિરોધ કરતી અરજી દાખલ કરી છે. સમિતિએ ૧૫ મેના રોજ સુપ્રીમ કોર્ટના ર્નિણયનો પણ વિરોધ કર્યો છે, જેમાં રાજ્ય સરકારને બાંકે બિહારી કોરિડોર બનાવવા માટે મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
કોઈ સ્થળનો વિકાસ એ સરકારની જવાબદારી
અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શ્યામ દીવાને કહ્યું કે, બાંકે બિહારી મંદિર એક ખાનગી મંદિર છે. ધાર્મિક પ્રવૃત્તિઓ અને સંચાલન અંગે બે જૂથો વચ્ચે વિવાદ હતો. રાજ્ય સરકારે સત્તા વિના તેમાં દખલ કરી છે. તે આ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા અને કોરિડોર માટે મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાનો આદેશ મેળવ્યો હતો. આ પછી, તેણે ઉતાવળમાં એક વટહુકમ પણ બહાર પાડ્યો હતો. પરિણામ એ આવ્યું કે, સદીઓથી મંદિરની સ્થાપના અને તેનું સંચાલન કરનારા ગોસ્વામીઓ સંચાલનથી બહાર થઈ ગયા છે.
શરૂઆતમાં, ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે મંદિર સમિતિને તીખા પ્રશ્નો પૂછ્યા હતા. કોર્ટે કહ્યું કે, મંદિર ખાનગી હોઈ શકે છે, પરંતુ ભગવાન દરેકના છે. લાખો ભક્તો ત્યાં આવે છે. મંદિરના ભંડોળનો ઉપયોગ ભક્તોની સુવિધા અને સુરક્ષા સંબંધિત વિકાસ માટે કેમ ન કરી શકાય? તમે શા માટે ઇચ્છો છો કે, બધું ભંડોળ તમારા ખિસ્સામાં જાય ?
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, અરજદારે રાજ્ય સરકારના કાયદાને હાઇકોર્ટમાં પડકારવો જાેઈએ. કોર્ટના કઠોર પ્રશ્નોના જવાબમાં દીવાને કહ્યું કે, અસલ વાત એ છે કે, અમને સાંભળ્યા વિના સુપ્રીમ કોર્ટમાંથી આવો આદેશ કેવી રીતે આવ્યો? મામલો કંઈક બીજો હતો, જેમાં અચાનક આદેશ આવ્યો કે, મંદિરના ભંડોળનો ઉપયોગ કોરિડોર બનાવવા માટે કરવામાં આવે. આ વાત સાથે સંમત થતાં તેમણે કહ્યું કે, કોઈ સ્થળનો વિકાસ એ સરકારની જવાબદારી છે. જો તેને જમીન સંપાદન કરવી હોય, તો તે પોતાના પૈસાથી તે કરી શકે છે.
લગભગ ૫૦ મિનિટ સુધી ચાલેલી સુનાવણી બાદ, ન્યાયાધીશોએ સંકેત આપ્યો કે ૧૫ મેના આદેશને પાછો ખેંચી શકાય છે. હાલમાં, મંદિરના સંચાલન માટે નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી શકાય છે. તેમાં જિલ્લા મેજિસ્ટ્રેટનો પણ સમાવેશ કરવામાં આવશે. આ વિસ્તારના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને, તેની આસપાસના વિકાસમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની પણ મદદ લેવામાં આવશે. કોર્ટે કહ્યું કે, ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવું જોઈએ. આ માટે યોગ્ય સુવિધાઓનો વિકાસ જરૂરી છે.