Last Updated on by Sampurna Samachar
CM રેખા ગુપ્તાએ પીડિતો માટે વળતરની જાહેરાત કરી
રાજધાનીમાં બનેલી ઘટનાએ દેશને આઘાત પહોંચાડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ લાલ કિલ્લા વિસ્ફોટ દરમિયાન જીવ ગુમાવનારાઓના પરિવારો અને ઘાયલો માટે વળતરની જાહેરાત કરી છે. વિસ્ફોટમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના નજીકના સંબંધીઓને રૂ.૧૦ લાખની સહાય રકમ આપવામાં આવશે. નાણાકીય સહાયની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર પીડિતોના પરિવારો સાથે ઉભી છે અને દિલ્હી સરકાર હુમલામાં ઘાયલ થયેલા કોઈપણ વ્યક્તિની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરશે.

મુખ્યમંત્રી રેખાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે રાજધાનીમાં બનેલી ઘટનાએ આખા શહેરને આઘાત પહોંચાડ્યો છે. તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં, દિલ્હી સરકારની ઊંડાણપૂર્વકની સંવેદના એ બધા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને આ ઘટનામાં ઘાયલ થયા છે. તેમણે ઉમેર્યું કે દિલ્હી સરકાર દરેક અસરગ્રસ્ત પરિવાર સાથે મજબૂતીથી ઉભી છે અને તાત્કાલિક રાહત આપવા માટે સંવેદનશીલ ર્નિણય લીધો છે.
વિસ્ફોટની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપાઇ
મુખ્યમંત્રીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે દિલ્હી વિસ્ફોટમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને ૧૦ લાખ રૂપિયા, અપંગ થયેલા લોકોને ૫ લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ૨ લાખ રૂપિયાની સહાય મળશે. તેમણે ઉમેર્યું કે તેમની સરકાર ઘાયલોની યોગ્ય સારવારની જવાબદારી લેશે. તેમણે ઉમેર્યું, “દિલ્હીમાં શાંતિ અને સુરક્ષા અમારી ટોચની પ્રાથમિકતા છે.” વહીવટીતંત્ર અત્યંત સતર્કતા સાથે કામ કરી રહ્યું છે અને તમામ અસરગ્રસ્ત વ્યક્તિઓ અને તેમના પરિવારો સાથે ઊભું છે.
લાલ કિલ્લા પર કાર વિસ્ફોટમાં ૧૦ વધારે લોકોની મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ પાસે એક i20 કારમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે આસપાસના ઘણા વાહનોમાં આગ લાગી હતી. આ ઘટનાથી વ્યાપક ગભરાટ ફેલાયો હતો. મંગળવારે, ગૃહ મંત્રાલયએ વિસ્ફોટની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપી દીધી હતી.