Last Updated on by Sampurna Samachar
જાપાની લડાકુ વિમાનો પર પોતાનું રડાર લૉક કર્યું હતું
આવી ઘટનાઓને રોકવા પગલાં લેવા કરી માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
લડાકુ વિમાનો પર મિસાઇલ લૉક કરવાના મુદ્દે જાપાન અને ચીન ફરી એકવાર આમને-સામને આવી ગયા છે. જાપાનનો આરોપ છે કે ચીનના વિમાનવાહક જહાજ લિયાઓનિંગમાંથી ઉડાન ભરનાર એક સૈન્ય વિમાને જાપાનના ઓકિનાવા પાસે જાપાની લડાકુ વિમાનો પર પોતાનું રડાર લૉક કર્યું હતું. આ મુદ્દે જાપાને ચીન સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે.

રડાર લૉકનો અર્થ એ થાય છે કે, કોઈ સૈન્ય વિમાન પોતાના રડારને બીજા વિમાન કે લક્ષ્ય પર એ રીતે કેન્દ્રિત કરે કે તે તેની ચોક્કસ સ્થિતિ, ગતિ અને દિશા પર સતત નજર રાખી શકે, જે હુમલાની તૈયારીનો સંકેત છે.
જાપાને ચીન સમક્ષ વિરોધ નોંધાવ્યો
જાપાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે ચીનના સૈન્ય વિમાન જે-૧૫ એ બે અલગ-અલગ સમયે જાપાની એફ-૧૫ લડાકુ વિમાનો પર પોતાનું રડાર લૉક કર્યું હતું. મંત્રાલયના જણાવ્યા મુજબ, લગભગ ત્રણ મિનિટ માટે અને પછી સાંજે લગભગ ૩૦ મિનિટ માટે આવું કરવામાં આવ્યું હતું. આ ઘટના ચીન તરફથી હવાઈ ક્ષેત્રના સંભવિત ઉલ્લંઘન સામે પ્રતિક્રિયા આપનાર જાપાની લડાકુ વિમાનો પર થઈ હતી.
જાપાનના રક્ષા મંત્રી શિન્જીરો કોઈઝુમીએ પત્રકારોને જણાવ્યું કે જાપાને ચીન સમક્ષ વિરોધ નોંધાવ્યો છે અને તેને એક ખતરનાક કૃત્ય ગણાવ્યું છે, જે સુરક્ષિત વિમાન સંચાલનના નિયમોની વિરુદ્ધ છે. તેમણે કહ્યું, “આવી ઘટના અત્યંત નિંદનીય છે. અમે ચીની પક્ષ સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે અને આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે.” જોકે, જાપાની હવાઈ ક્ષેત્રનું કોઈ ઉલ્લંઘન થયું ન હતું અને કોઈ નુકસાનના સમાચાર નથી.
ચીને જાપાનના આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. ચીનનું કહેવું છે કે તે ફક્ત સામાન્ય યુદ્ધાભ્યાસ કરી રહ્યું હતું. ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સ એ નેવી ચીફને ટાંકીને કહ્યું કે ચીને અગાઉથી જ યુદ્ધાભ્યાસ વિશે જાણ કરી દીધી હતી, તેમ છતાં જાપાને તેમાં દખલગીરી કરી.
ચીને જાપાનને ચેતવણી આપી છે કે તે તાત્કાલિક ફ્રન્ટ લાઇન પરની પ્રવૃત્તિઓ બંધ કરે, નહીં તો આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જૂન મહિનામાં પણ આવો જ એક મામલો સામે આવ્યો હતો, જ્યારે ચીનનું વિમાન જાપાનના લડાકુ વિમાનની ખૂબ નજીક આવી ગયું હતું.