Last Updated on by Sampurna Samachar
ફ્રાન્સ પેલેસ્ટાઈનને માન્યતા આપતી યોજના પર કામ કરવા તૈયાર
એકમાત્ર ઈચ્છા ઈઝરાયલનો વિનાશ કરવાનો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન પર આકરા પ્રહાર કર્યા હતા. મેક્રોને એક નિવેદન આપતા કહ્યું હતું કે, ફ્રાન્સ પેલેસ્ટાઈનને માન્યતા આપવાની યોજના પર કામ કરી રહ્યું છે. હવે તેમના આ નિવેદન પર નેતન્યાહૂ ભડકી ગયા છે.
નેતન્યાહૂ પહેલા તેમના પુત્ર યાયર નેતન્યાહૂએ પણ ફ્રાન્સ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, મેક્રોને એ વિચાર છોડી દેવો જોઈએ. કારણ કે જો તેઓ પેલેસ્ટાઈનને માન્યતા આપશે તો આરબ દેશો ઈઝરાયલને માન્યતા આપવા તૈયાર થઈ જશે. નેતન્યાહૂએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, પ્રમુખ મેક્રોન અમારી ધરતીના એક કેન્દ્ર પર પેલેસ્ટિનિયન રાજ્યના વિચારને પ્રોત્સાહન આપવા માંગે છે. તેમનો આ વિચાર ખૂબ જ ખોટો છે. પેલેસ્ટાઇન એક એવું રાજ્ય હશે જેની એકમાત્ર ઈચ્છા ઈઝરાયલનો વિનાશ કરવાનો છે અને અમે આવું થવા નહીં દઈશું નહીં.
ભયાનક હુમલા અને નરસંહારની નિંદા કરી નથી
નેતન્યાહૂએ ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ઈઝરાયલ પર કરવામાં આવેલા હમાસના હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજ સુધી હમાસ કે પેલેસ્ટાઈન સાથે સંબંધિત કોઈ પણ વ્યક્તિ કે સંગઠને યહૂદીઓ પર કરવામાં આવેલા તે ભયાનક હુમલા અને નરસંહારની નિંદા કરી નથી. આ જ વાસ્તવિકતા છે, જે ઈઝરાયલ પ્રત્યેના તેમના વલણને દર્શાવે છે. તેને માન્યતા આપીને આપણે આ જ માનસિકતાને પ્રોત્સાહન આપીશું.
ઈઝરાયલના વડાપ્રધાને કહ્યું કે, અમે કોઈ ભ્રમ કે પાયાવિહોણી યોજના માટે અમારા અસ્તિત્વને જોખમમાં ન મૂકી શકીએ. કોઈ ગમે તે કહે પરંતુ ઈઝરાયલ એક દેશ તરીકે પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના અંગેના કોઈપણ નૈતિક વાતોનો સ્વીકાર નહીં કરશે. ખાસ કરીને એવી બાબતો જે ઈઝરાયલના અસ્તિત્વ માટે જોખમી હોય.
ફ્રાન્સ પર નિશાન સાધતા નેતન્યાહૂએ કહ્યું કે, કોર્સિકા, ન્યુ કેલેડોનિયા, ફ્રેન્ચ ગુયાના અને અન્ય પ્રદેશોને સ્વતંત્રતા આપવાનો વિરોધ કરનારાઓ પાસેથી તો અમે બિલ્કુલ જ્ઞાન નહીં લઈશું. આવા લોકોને નિવેદનો આપવાનો કોઈ અધિકાર નથી. ઈઝરાયલની આ ટિપ્પણી ફાન્સ પ્રમુખના એ ઇન્ટરવ્યુ પછી આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે, ફ્રાન્સ નજીકના ભવિષ્યમાં પેલેસ્ટાઈનને એક રાજ્ય તરીકે માન્યતા આપવા તરફ આગળ વધી રહ્યું છે.