Last Updated on by Sampurna Samachar
અમેરિકાએ ૨૮ સૂત્રીય શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો
યુદ્ધ સમાપ્ત કરવું એક મુશ્કેલ કામ , પુતિને કહ્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત કરવા માટે મોસ્કોમાં રશિયન અધિકારીઓ અને અમેરિકન અધિકારીઓ વચ્ચે પાંચ કલાક સુધી બેઠક યોજાઈ હતી. બેઠક બાદ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, ‘રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકી અધિકારીઓ સાથે થયેલી વાતચીત જરૂરી અને કામની હતી, પરંતુ યુદ્ધ સમાપ્ત કરવું એક મુશ્કેલ કામ છે.’

મોસ્કોમાં અમેરિકી પ્રતિનિધિઓ તરફથી જેરેડ કુશનર અને સ્ટીવ વિટકૉફ, જ્યારે રશિયા તરફથી રાષ્ટ્રપ્રમુખ પુતિનના સહયોગી યુરી ઉશાકોવ અને વિશેષ દૂત કિરિલ દિમિત્રિવ સામેલ થયા હતા. બેઠક બાદ યુરી ઉશાકોવે કહ્યું કે, ‘હજુ સુધી કોઈ સમજૂતી થઈ નથી. અમેરિકાના કેટલાક પ્રસ્તાવ પર અમે સહમત છીએ, પરંતુ કેટલાક પ્રસ્તાવ અમને સ્વીકાર્ય નથી.’
હજુ પ્રસ્તાવો ઉકેલવા મુશ્કેલ બન્યા
અમેરિકાએ ૨૮ સૂત્રીય શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાંના કેટલાક જોગવાઈઓ પર રાષ્ટ્રપ્રમુખ પુતિનને વાંધો છે. આ પ્રસ્તાવ પર યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી પણ અમુક મુદ્દાઓ પર સંમતિ આપી છે, તો અમુક મુદ્દા સંપૂર્ણ ફગાવી દીધા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રની પહેલ પર આ શાંતિ પ્રયાસોમાં તેજી આવી છે, તેમ છતાં રશિયા અને યુક્રેન વચ્ચેના રેડ લાઇન્સ પ્રસ્તાવોને ઉકેલવા હજુ પણ મુશ્કેલ કાર્ય બની રહેલું છે.
રાષ્ટ્રપ્રમુખ પુતિને અમેરિકી પ્રતિનિધિઓ સાથેની મુલાકાત પહેલાં યુરોપને સીધી ધમકી આપતાં કહ્યું હતું કે, ‘અમે યુરોપ સાથે યુદ્ધ કરવા માંગતા નથી, પરંતુ જો યુરોપ યુદ્ધ ઈચ્છે છે, તો અમે તૈયાર છીએ. જો યુરોપ રશિયા સાથે યુદ્ધ શરૂ કરશે, તો એવી સ્થિતિ સર્જાઈ શકે છે જેમાં વાતચીત કરવા માટે કોઈ બચશે નહીં.’