Last Updated on by Sampurna Samachar
કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રવાના થઈ નહીં
પગાર ન મળ્યો એટલે એન્જિનિયર્સે વિમાનોનું ચક્કાજામ કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ ગંભીર સંકટમાં હોવાનુ સામે આવ્યુ છે, કારણ કે એરક્રાફ્ટ એન્જિનિયર્સે ફ્લાઇટ્સ માટે ‘એરવર્દીનેસ ક્લિયરન્સ‘ (વિમાનની ઉડાન યોગ્યતા) આપવાનું બંધ કરી દેતા, પાકિસ્તાનમાં એરલાઇનની ઉડાન સંપૂર્ણપણે થંભી ગઈ છે.

કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રવાના થઈ નથી. સૂત્રો મુજબ, અત્યાર સુધીમાં ઓછામાં ઓછી ૧૨ નિર્ધારિત ઉડાન પ્રભાવિત થઈ છે અને ઉમરાહ યાત્રીઓ સહિત સેંકડો મુસાફરો ઇસ્લામાબાદ, કરાચી અને લાહોર જેવા મુખ્ય એરપોર્ટ્સ પર ફસાયેલા છે.
PIA નું ફ્લાઇટ શેડ્યૂલ સંપૂર્ણપણે ઠપ
સોસાયટી ઓફ એરક્રાફ્ટ એન્જિનિયર્સ ઓફ પાકિસ્તાનએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી એરલાઇન CEO પોતાનું વલણ નહીં બદલે, ત્યાં સુધી તેમના સભ્યો કામ પર નહીં ફરે, કારણ કે યુનિયનનો આરોપ છે કે મેનેજમેન્ટ બે મહિનાથી તેમની ફરિયાદોને અવગણી રહ્યું છે. એન્જિનિયર્સને છેલ્લા આઠ વર્ષથી પગાર વધારો મળ્યો નથી અને તેમના પર સ્પેરપાર્ટ્સની ભારે અછત હોવા છતાં ફ્લાઇટ્સને ક્લિયર કરવા માટે દબાણ કરાઈ રહ્યું છે. યુનિયને સ્પષ્ટ કર્યું કે, ‘મુસાફરોની જિંદગી જોખમમાં મૂકીને મેનેજમેન્ટના આદેશોનું પાલન કરવું શક્ય નથી.
બીજી તરફ, PIA ના સીઇઓએ આ હડતાળને ગેરકાયદેસર જાહેર કરી છે અને સ્પષ્ટ કર્યું કે તે પાકિસ્તાન એસેન્શિયલ સર્વિસેઝ એક્ટ ૧૯૫૨નું ઉલ્લંઘન છે. તેમણે આરોપ લગાવ્યો કે હડતાળનો મુખ્ય હેતુ એરલાઇનની ચાલી રહેલી ખાનગીકરણની પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાનો છે. એરલાઇન મેનેજમેન્ટ ફ્લાઇટ ઓપરેશન્સ જલ્દી ફરી શરૂ કરવા માટે અન્ય કેરિયર્સ પાસેથી એન્જિનિયર્સેગિં સપોર્ટની વ્યવસ્થા કરવાના પ્રયાસો કરી રહ્યું છે. જોકે, હાલની સ્થિતિમા PIA નું ફ્લાઇટ શેડ્યૂલ સંપૂર્ણપણે ઠપ છે અને પરિસ્થિતિ સામાન્ય થવાના કોઈ તાત્કાલિક સંકેતો નથી.