Last Updated on by Sampurna Samachar
હિટ એન્ડ રનના બનાવમાં યુવકનુ મોત નિપજ્યું
અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ફરાર થઇ ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર જિલ્લામાં અકસ્માતોની હારમાળા યથાવત રહી છે. જામનગર-જોડીયા ધોરીમાર્ગ પર બાલંભા ગામના પાટીયા પાસે હિટ એન્ડ રનના બનાવમાં જામનગરના એક યુવાનનું ડમ્પરની અડફેટે મૃત્યુ નિપજ્યું છે.

મળતી માહિતી મુજબ જામનગરના ચાર મિત્રો આમરણ દરગાહે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માત નડ્યો હતો. અકસ્માતનો બીજો બનાવ કાલાવડ નજીક ખંઢેરા પાસે બન્યો હતો. જ્યાં એકટીવા સ્કૂટર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં જામનગરના બે યુવાનોને ગંભીર ઇજા થઈ છે, અને સારવારમાં ખસેડાયા છે.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અકસ્માતનો પ્રથમ બનાવ જોડીયા જામનગર હાઇવે રોડ પર બાલંભા ગામના પાટીયા પાસે બન્યો હતો. જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. ૧૦ ટી.વાય.૮૮૭૧ નંબરના ડમ્પરના ચાલકે આગળ જઈ રહેલા જી.જે. ૧૦ સી.જે. ૮૭૭૮ નંબરના બાઈકના ચાલક શકીલ મોહમ્મદ હનીફ અન્સારી નામના જામનગરના ૧૯ વર્ષીય યુવાનને હડફેટે લઇ કચડી નાખતાં તેનું આંતરિયાળ મૃત્યુ નીપજયું હતું.
આ અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મૃતક યુવાન શકીલ પોતાના અન્ય ચાર મિત્રો આફતાબ યુનુસભાઈ દરજાદા, અમન સંધી અને મહેબુબભાઇ સાથે જામનગરથી આમરણ દરગાહે દર્શન કરવા માટે ગયો હતો, અને ત્યાંથી પરત ફરી રહ્યો હતો, જે દરમિયાન બાલંભા પાસે આ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.
જે બનાવ અંગે મૃતક શકીલના પિતા મોહમ્મદ હનીફ અન્સારીએ જોડિયા પોલીસ મથકમાં ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાવતાં જોડીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે અકસ્માતનો બીજો જામનગર કાલાવડ ધોરી માર્ગ પર ખંઢેરા ગામના પાટીયા પાસે બન્યો હતો.
જામનગરમાં નવાગામ ઘેડમાં રહેતા હરપાલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ કે જેઓ ઇન્દ્રજીતસિંહ ગુમાનસિંહ બારડ સાથે ધંધાના કામ અર્થ જામનગરથી કાલાવડ રોડ તરફ જઈ રહ્યા હતા” જે દરમિયાન ખંઢેરા ગામના પાટીયા પાસે જી.જે.૧૦ ટી.વાય. ૩૮૩૭ નંબરના ટ્રકના ચાલકે હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં બંને યુવાનો ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ ગયા છે, અને કાલાવડની સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ હરપાલસિંહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં તેમજ ઈન્દ્રજીતસિંહજીને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવવા અંગે ઇજાગ્રસ્ત હરપાલસિંહના પત્ની પૂર્ણાંબા ગોહીલે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવે છે.