Last Updated on by Sampurna Samachar
૧૮ થી વધુ જિલ્લામાં પવન સાથે વરસાદની આગાહી
ખેડૂતોની ચિંતા વધશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો આકરો તાપ પડી રહ્યો છે. પરંતુ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વર્તાઇ હતી. મહારાષ્ટ્ર પર એક સિસ્ટમ સક્રિય થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે. વાદળછાયું વાતાવરણના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે. પરંતુ ખેડૂતોની ચિંતા વધશે. ગુજરાતમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે પવનની ગતિ તેજ રહેશે. આ સાથે હવામાન વિભાગની અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે.
હવામાન અંગેની આગાહીને કારણે ગુજરાતના તાતના માથે ચિંતાના વાદળો છવાયા છે. ગુજરાતમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે પવનની ગતિ તેજ રહેશે. ભારે પવન ફૂંકાય તો બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતાઓ રહે છે. તેમજ એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
દરિયાકાંઠાના વિસ્તારમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઇ શકે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે નર્મદા, તાપી, ડાંગમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે. બીજા દિવસે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની આગાહી છે.
એટલે કે, ગાજવીજ સાથે ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. તેમજ અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર,ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યમાં મહત્તમ તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રી વચ્ચે નોંધાયું છે. જોકે સામાન્ય કરતાં મહત્તમ તાપમાન બેથી પાંચ ડિગ્રી ઊંચુ તાપમાન નોંધાયું છે. ખાસ કરીને દરિયાકાંઠાનું તાપમાન સામાન્ય કરતાં ઊંચુ હોવાના કારણે કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવનના કારણે અકળામણનો અનુભવ થાય છે.