Last Updated on by Sampurna Samachar
માર્ચની શરૂઆતમાં જ જોવા મળ્યો કડાકો
ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનામાં ભારે વેચવાલીનું દબાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
શેરબજારમાં છેલ્લાં ઘણા સમયથી કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ફરી એકવાર સેન્સેક્સ (SENSEX) અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળતાં રોકાણકારો હતાશ થયા હતા અને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. શેરબજાર ખુલતાં જ તેમાં ૧૦૧૦ થી વધુ પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ ૩૨૦ પોઈન્ટથી વધુનો કડાકો બોલાઈ જતાં રોકાણકારો નિરાશ થયા હતા અને સ્ટોક માર્કેટ કેપમાં મોટાપાયે ઘટાડો થયો હતો.
અત્યાર સુધીની માહિતી અનુસાર ટોપ લૂઝર્સ શેર્સની વાત કરીએ તો ઈન્ડસઈન્ડ બેન્ક, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો અને એચસીએલ ટેકના શેર્સમાં ૫થી ૩ ટકા સુધીનો કડાકો નોંધાઈ ચૂક્યો છે અને આ તમામ સ્ટોક્સ નુકસાન સાથે ટ્રેડ થઇ રહ્યા છે. જ્યારે આવા કડાકાવાળી સ્થિતિમાં પણ ટોપ ગેનર્સમાં કોલ ઈન્ડિયા, એચડીએફસી બેન્ક, શ્રીરામ ફાઈનાન્સ અને ગ્રાસિમ જેવી કંપનીઓ રહી છે.
IT , ઓટો, PSE સૂચકાંકો સૌથી વધુ ઘટ્યા
માર્ચ શ્રેણીના પહેલા દિવસે બજારમાં લાલાશ જોવા મળી હતી. બજાર લગભગ ૯ મહિનાના સૌથી નીચા સ્તરે બંધ થયું. નિફ્ટીમાં ૮ મહિનામાં સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો જોવા મળ્યો. BSE ના તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં વેચવાલી જોવા મળી. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં ભારે વેચવાલી જોવા મળી. આઇટી, ઓટો, PSE સૂચકાંકો સૌથી વધુ ઘટ્યા. ઊર્જા, ફાર્મા અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી.
ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ ૧૪૧૪.૩૩ પોઈન્ટ અથવા ૧.૯૦ ટકા ઘટીને ૭૩૧૯૮.૧૦ પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી ૪૨૦.૩૫ પોઈન્ટ અથવા ૧.૮૬ ટકા ઘટીને ૨૨,૧૨૪.૭૦ પર બંધ થયો. સેન્સેક્સના ૩૦ માંથી ૨૯ શેર ઘટ્યા હતા જ્યારે નિફ્ટીના ૫૦ માંથી ૪૫ શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટી બેંકના ૧૨ માંથી ૧૦ શેર ઘટ્યા. રૂપિયો ૩૦ પૈસા ઘટીને ૮૭.૫૦/ડોલર પર બંધ થયો. મિડકેપ ૧,૨૨૨ પોઈન્ટ ઘટીને ૪૭,૯૧૫ પર બંધ થયો. નિફ્ટી બેંક ૩૯૯ પોઈન્ટ ઘટીને ૪૮,૩૪૫ પર બંધ થયો.
બીજી બાજુ સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. એમસીએક્સ ગોલ્ડ રેટમાં શુક્રવારે સવારે સેશન દરમિયાન ભારે દબાણ જોવા મળ્યું. એપ્રિલ ૨૦૨૫ની એક્સપાયરી માટે સોનાનો વાયદાનો ભાવ ૮૪,૮૯૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ભાવે ખુલ્યું અને ઓપનિંગ બેલની અમુક જ મિનિટોમાં તે ૮૪૮૪૦ રૂપિયાના ઈન્ટ્રા ડેના લૉને સ્પર્શી ગયો. ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનામાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૪ માર્ચથી મેક્સિકો અને કેનેડા સામે ટેરિફની શરૂઆતની જાહેરાત કરી દીધી છે. જ્યારે ચીન સામેનું ટેરિફ પણ વધારાશે. આ જાહેરાત બાદ એનવિડીયામાં રાતોરાત ૮.૫ ટકાનો કડાકો નોંધાયો હતો. જેના કારણે નેસ્ડેક પણ હચમચી ગયું હતું. જેની અસર એશિયન બજારમાં જોવા મળી હતી અને હવે ભારતીય બજાર પણ ગગડી રહ્યું છે.