Last Updated on by Sampurna Samachar
પોલીસ પગલાં નહીં લે તો હવે ઉગ્ર આંદોલન થશે
દેતડ ગામે દેશી દારૂના વધી રહેલા દૂષણથી કંટાળેલી મહિલાઓ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા બુટલેગરો સામે હવે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના દેતડ ગામે દેશી દારૂના વધી રહેલા દૂષણથી કંટાળીને મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું હતું.

જેના પગલે મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલાઓએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકે હલ્લાબોલ કરી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊઠાવ્યા હતા. મળતી માહિતી અનુસાર, દેતડ ગામમાં છેલ્લા ઘણાં સમયથી બુટલેગરો બેફામ બન્યા છે. ગામમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાથી અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે. આ પરિસ્થિતિથી તંગ આવીને આખરે ગામની મહિલાઓએ મેદાનમાં આવવું પડ્યું હતું. પોલીસ સ્ટેશન પહોંચેલી બહેનોએ ખાખી વર્દીને સીધો સવાલ પૂછ્યો હતો કે, ‘તંત્રની હાજરી હોવા છતાં આ બુટલેગરો આટલા બેફામ કેમ છે?‘
હવે સાવરકુંડલા પોલીસ એક્શનમાં આવશે કે કેમ તે જોવું રહ્યું
ગામના સરપંચની આગેવાનીમાં પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાઓએ લેખિતમાં રજૂઆત કરી હતી. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે બુટલેગરોના ત્રાસને કારણે ઘરોમાં રહેવું અને રસ્તા પર નીકળવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક મહિલા અસ્મિતાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘અમારા ગામમાં દારૂના અડ્ડા તાત્કાલિક બંધ થવા જોઈએ. જો પોલીસ નક્કર કાર્યવાહી નહીં કરે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.‘
સ્થાનિક મહિલાઓના આક્રોશ બાદ હવે સાવરકુંડલા પોલીસ એક્શનમાં આવશે કે કેમ તે જોવું રહ્યું. ગ્રામજનોમાં એવી પણ ચર્ચા છે કે પોલીસ અને બુટલેગરોની મીલીભગતને કારણે જ આ અડ્ડાઓ ધમધમી રહ્યા છે. જાે પોલીસ હવે ધોંસ નહીં બોલાવે તો સ્થિતિ વધુ ખરાબ બની શકે છે.