Last Updated on by Sampurna Samachar
કુલ ૪ કરોડ ૩૪ લાખ મતદારોની નોંધણી થઇ
૧૦૬૩ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં SIR ની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં કુલ કેટલા મતદારો છે, કેટલા મતદારોના નામ કપાયા છે, તેમજ કેટલા ડુપ્લીકેટ મતદારો હતા તે તમામ માહિતી સામે આવી ગઈ છે.

યાદી મુજબ ગુજરાતમાં કુલ ૪ કરોડ ૩૪ લાખ મતદારોની નોંધણી થઈ છે. મતદાર શુદ્ધિકરણ પ્રક્રિયા દરમિયાન ૭૩,૭૩,૩૨૭ મતદાર નીકળી ગયા છે. તો ૧૮,૦૭,૨૭૮ મૃત્યુ પામેલા મતદારો યાદીમાંથી દૂર થયા છે.
૨૭મી ઓક્ટોબરે SIR અભિયાનનો પ્રારંભ કરાયો
આ ઉપરાંત ૪૦,૨૫,૫૫૩ મતદારો કાયમી સ્થળાંતર કરેલા નીકળ્યા છે. ૩,૮૧,૪૭૦ મતદારો ડુપ્લીકેટ હતા, જેને દૂર કરાયા છે. ૯,૬૯,૬૬૨ મતદારો તેમના સરનામે મળી આવ્યા નથી. તો ૧,૮૯,૩૬૪ મતદારોનો અન્ય કારણોસર યાદીમાં સમાવેશ થયો નથી. ૪,૩૪,૭૦,૧૦૯ મતદારો નોંધાયા. ૨,૨૪,૪૯,૧૭૦ પુરુષ મતદાર નોંધાયા. ૨,૧૦,૧૯,૮૭૬ મહિલા મતદારો નોંધાયા. ૧૦૬૩ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા.
ઉલ્લેખનીય છે કે, અગાઉ મતદાર યાદીમાં ૫,૦૮,૪૩,૨૧૯ મતદારો નોંધાયા હતા. જેમાં ગુજરાત રાજ્યમાં ૭૩,૭૩,૧૧૦ મતદારો ઓછા થયા છે. આ આંકડો ગુજરાતના એક મેગા સિટીની વસ્તી જેટલો છે.
વાત કરીએ તો ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર ૧૮ મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે. ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં નવેમ્બર મહિનાથી મતદાર યાદી શુદ્ધિકરણ ઝુંબેશ એટલે કે SIR પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
આ પ્રક્રિયા દરમિયાન ડુપ્લીકેટ, મૃત્યુ પામેલા લોકો અને કાયમી સ્થાળાંતર કરી ગયેલા લોકોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. તેવામાં તમારૂ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં ન હોય તો તમારે આ રીતે આગળ કાર્યવાહી કરવાની રહેશે.
આગામી સમયગાળામાં તા. ૧૦/૦૨/૨૦૨૬ સુધી રાજ્યમાં મેપિંગ ન થયેલ મતદારોને સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટીસ આપવામાં આવશે. નોટીસ બાદ સુનાવણી અને ચકાસણી પૂર્ણ થયા પછી તમામ લાયક મતદારોનો સમાવેશ તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં કરવામાં આવશે. નોટીસ પ્રાપ્ત કરનાર મતદારોએ નોટીસમાં દર્શાવેલા પુરાવા સુનાવણી દરમિયાન રજૂ કરવાના રહેશે.
મતદાર યાદી સંદર્ભે હક્ક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવા માટેનો સમયગાળો તા. ૧૮/૦૧/૨૦૨૬ સુધી રહેશે. નોંધનીય છે કે, ૨૭મી ઓક્ટોબરે SIR અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ મતદાર યાદી સુધારણા કામગીરી વિવાદમાં સપડાઇ હતી કેમ કે, વધુ પડતાં કામના બોજને પગલે પાંચેક બુથ લેવલ ઓફિસરના મૃત્યુ થયા હતાં જેના કારણે હોબાળો મચ્યો હતો. એટલુ જ નહીં, રાજ્ય ચૂંટણી પંચ પર માછલા ધોવાયા હતાં.
રાજ્યમાં કુલ ૫.૦૮ કરોડ મતદારોને ફોર્મ વહેચવામાં આવ્યા હતાં જે પૈકી અત્યાર સુધીમાં કુલ ૪.૩૪ કરોડ ફોર્મ પરત મળ્યાં છે. પણ હજુ સુધી ૪૪.૪૫ લાખ મતદારોનું મેપિગ થઈ શક્યુ નથી.