Last Updated on by Sampurna Samachar
માંગણી બાદ રાજકીય અને સામાજિક માહોલ ગરમાયો
માઉન્ટ આબુમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતીઓનું મનપસંદ રાજસ્થાનના પ્રખ્યાત પર્યટન સ્થળ માઉન્ટ આબુ હાલ ચર્ચાનો વિષય બન્યું છે. વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ બદલવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. ગુજરાતની નજીક આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ બદલવાની વિધાનસભામાં માંગ કરવામાં આવી છે. રાજસ્થાન વિધાનસભામાં મંત્રી ઓટારામ દેવાસીએ આ માંગ કરી છે. આ સાથે જ મંત્રીએ માંસ-દારૂના વેચાણ પર પણ રોક લગાવવાની અપીલ કરી છે.

રાજસ્થાન રાજ્ય સરકારના મંત્રી ઓતારામ દેવાસીએ વિધાનસભા ગૃહમાં માઉન્ટ આબુનું નામ બદલીને ‘આબુ રાજ તીર્થ‘ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત તેને પવિત્ર તીર્થસ્થાન ગણાવીને ત્યાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની પણ અપીલ કરી હતી. આ માંગણી બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
આ સ્થળને ધાર્મિક પવિત્ર સ્થળ જાહેર કરવુ જોઇએ
રાજસ્થાન (RAJSTHAN) ના કાશ્મીર તરીકે ઓળખાતું માઉન્ટ આબુ પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણ છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે. આ દરમિયાન મંત્રી ઓતારામ દેવાસીએ વિધાનસભામાં નામ બદલવાનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, સિરોહી જિલ્લાનો આ પર્વત પ્રાચીન સમયથી સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર રહ્યો છે.
પહેલા આ સ્થળ ‘આબુ રાજ તીર્થ‘ તરીકે જાણીતું હતું. પરંતુ, પાછળથી તેનું નામ બદલીને માઉન્ટ આબુ રાખવામાં આવ્યું હતું. અબુ રાજ તીર્થ એક પવિત્ર સ્થળ છે જ્યાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. તેથી તેને ફરીથી તેના પ્રાચીન નામથી ઓળખવું જોઈએ.
ગૃહમાં મંત્રી ઓતારામ દેવાસીએ માઉન્ટ આબુનું નામ બદલવાની સાથે ત્યાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી. તેમણે કહ્યું કે ગુરુ શિખર, દેલવારા જૈન મંદિર, અર્બુદા માતા મંદિર, ભગવાન દત્તાત્રેય મંદિર સહિત ઘણા ધાર્મિક સ્થળો અહીં આવેલા છે. આવી સ્થિતિમાં આ સ્થળને પવિત્ર તીર્થસ્થાન જાહેર કરવું જોઈએ.