Last Updated on by Sampurna Samachar
અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે
દહેગામમાં ST બસે બાળકીને ટક્કર મારી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં સાત ગરનાળા પાસે ST બસ દ્વારા એક સાત વર્ષની બાળકીને ટક્કર મારવામાં આવતા બાળકીનો પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અવારનવાર થતા અકસ્માતોની ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. આ સાથે ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

એક વિદ્યાર્થિની પોતાના ઘરે જઈ રહી હતી, તે દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં વિદ્યાર્થિનીના પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકો ઘટના સ્થળે ભેગા થઈ ચક્કાજામ કર્યો હતો. આ ઘટનાની જાણ નજીકમાં આવેલા પોલીસ સ્ટેશન ખાતે થતા પોલીસે ઘટના સ્થળે જઈ પરિસ્થિતિને કાબુ મેળવી હતી. ઈજાગસ્ત વિદ્યાર્થિનીને પ્રાથમિક સારવાર અર્થે દહેગામના સરકારી દવાખાને લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.
સ્થાનિકોએ કરી માંગણી
પ્રાથમિક માહિતી અનુસાર, કિરણ વિદ્યાર્થિનીનું નામ પ્રિન્સું કિરણભાઈ વાઘેલા અને તેની ઉંમર સાત વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે પોલીસે એસટી બસનો કબ્જો લઈ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
નોંધનીય બાબત છે કે, દહેગામ શહેરમાં મોટા વાહનોના કારણે અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાતા હોવાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે રીંગરોડનું તાત્કાલિક અસરથી નિર્માણ કરવામાં આવે તેવી માંગ શહેરીજનો દ્વારા કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાત ગરનાળા તરફથી ગાંધીનગર તરફ જવાના રોડ પર મોટા વાહન વ્યવહાર માટે પ્રતિબંધ ફરવામાં આવ્યો છે, તેમ છતાં એસટી બસ ડ્રાઇવરો પોતાની મનમાની ચલાવીને સાત ઘરનાળા પાસેના રહેણાંક વિસ્તારમાંથી એસટી બસો પસાર કરી રહ્યા છે. જે કારણે સ્થાનિકો દ્વારા એસટી બસોનો રૂટ નહેરુ ચોકડીથી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.