Last Updated on by Sampurna Samachar
બટાકાના યોગ્ય ભાવ ન મળતા બનાસકાંઠાના ખેડૂતો મુશ્કેલીમાં
બનાસકાંઠામાં અંદાજે ૬૪,૯૪૮ હેક્ટર જમીનમાં બટાકાનું જંગી વાવેતર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના બટાકાના હબ ગણાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલીમાં મૂકાયા હોવાના સમાચાર છે. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે બટાકાનું બમ્પર ઉત્પાદન તો થયું છે, પરંતુ બજારમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને “પડતા પર પાટું” જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ખેડૂતોની આ વેદનાને વાંચા આપવા માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખાસ આર્થિક સહાય જાહેર કરવા રજૂઆત કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજે ૬૪,૯૪૮ હેક્ટર જમીનમાં બટાકાનું જંગી વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે, ઉત્પાદન વધતા ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, બટાકાના બિયારણ, ખાતર, ખેતીની મજૂરી અને ત્યારબાદ બટાકાને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજના ભાડાનો ખર્ચ અત્યારે મળતી આવક કરતા અનેકગણો વધી ગયો છે.
આ મામલે સરકાર ખેડૂતોને સાંભળશે કે કેમ તે જોવુ રહ્યું
આ સ્થિતિમાં ખેડૂતોને ખેતરમાંથી બટાકા નિકાળવા પણ પરવડી રહ્યા નથી.ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, યોગ્ય ભાવ ન મળવાને કારણે ખેડૂતોને સરેરાશ વીઘા દીઠ ૨૫ થી ૩૦ હજાર રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બટાકા પકવતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે, અને તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે.
ખેડૂતોને બચાવવા માટે સરકાર દ્વારા તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી, સબસીડી અથવા ખેડૂતોના ખાતામાં સીધી આર્થિક સહાય આપવામાં આવે તેવી માગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની આ હૈયા વરાળ સાંભળીને આગામી દિવસોમાં કોઈ હકારાત્મક ર્નિણય લે છે કે કેમ.