Last Updated on by Sampurna Samachar
મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતા ભૂવાને રંગેહાથ ઝડપ્યો
દુરદુરથી લોકો વિધિ માટે ઢોંગી પાસે આવતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફરી એક વખત ઢોંગી ભૂવાનો પર્દાફાશ થયો છે. છોટાઉદેપુરના સટુંન ગામે વિજ્ઞાનજાથાની ટીમ ત્રાટકી હતી. વિજ્ઞાનજાથાની ટીમે છટકું ગોઠવી ભૂવાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ગણપત નાયક નામનો ભૂવો દોરા ધાગા કરતો હતો. ભૂવો, મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો હતો, ત્યારે વિજ્ઞાનજાથાની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. વિજ્ઞાનજાથાની ટીમે પર્દાફાશ કરી ભૂવા પાસે માફી મંગાવી હતી.

બહાર આવેલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કેવી રીતે વિજ્ઞાનજાથા દ્વારા છટકું ગોઠવી ભૂવાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ભૂવો ધતિંગ કરી રહ્યો હતો, ત્યારે વિજ્ઞાનજાથાની ટીમ પહોંચી હતી. ભૂવાને મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો રંગે હાથ પકડી પાડવામાં આવ્યો હતો. જેના પગલે ભૂવો કહે છે કે, હવે હું આ બધું બંધ કરી દઈશ. તે હાથ જોડી માફી માંગતો જોવા મળ્યો હતો.
છેલ્લા ૨૦ વર્ષથી કરતો હતો દોરા ધાગા
આ સમગ્ર મામલે પર્દાફાશ થયા બાદ ઢોંગી ભૂવાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ભૂવો છેલ્લા ૨૦ વર્ષથી દોરા ધાગા કરતો હતો. જે અંગેની જાણકારી મળતાં જ વિજ્ઞાનજાથાની ટીમ અહીં પહોંચી હતી. સાથે જ ભૂવા દ્વારા લોકો પાસેથી પૈસા પણ લેવામાં આવતાં હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે સમગ્ર મામલે પર્દાફાશ થતાં ભૂવાએ માફી માંગી હવેથી આવું કામ નહીં કરું, તેમ જણાવ્યું હતું. બીજી બાજુ, વિજ્ઞાનજાથા તરફથી સ્થાનિકોને એક અપીલ પણ કરવામાં આવી છે કે આવા કામ કરતાં લોકોથી દૂર રહે. જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ ભૂવા પાસે મોટી સંખ્યામાં લોકો આવતાં હતા.