Last Updated on by Sampurna Samachar
સુરતમાં પોલીસે હોટલમાં રેડ પાડી હાઈ-પ્રોફાઇલ રેકેટનો કર્યો પર્દાફાશ
યોગ્ય સમયે છાપો મારી દલાલ અને સંચાલકને રંગે હાથ ઝડપ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના રાંદેર વિસ્તારમાં વી સ્ક્વેર શોપિંગ મોલની અંદર ચાલી રહેલા હાઈ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો મહિલા સેલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગ્રાહક બનીને દલાલ સુધી પહોંચીને કમ્ફર્ટ કોવ હોટલમાં રેડ કરતા ચાર યુવતીઓને દેહવ્યાપારની ચક્રવ્યૂહમાંથી મુક્ત કરાવી હતી. રેસ્ક્યૂ કરાયેલી યુવતીઓમાં નોઇડાની ૨૧ વર્ષની વિદ્યાર્થિનીનો પણ સમાવેશ થતો હોવાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

મહિલા સેલ ક્રાઈમ બ્રાન્ચને ૨ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ચોક્કસ માહિતી મળી હતી કે રાંદેર વિસ્તારમાં આવેલી કમ્ફર્ટ કોવ નામની હોટલમાં દેહવ્યાપારનું ગોરખધંધું ચાલે છે. પોલીસ તાત્કાલિક એક સંયુક્ત ટીમ બનાવી ગ્રાહક તરીકે દલાલનો સંપર્ક કર્યો. નક્કી કરાયેલ રકમ માટે હોટલમાં બોલાવાયા બાદ ટીમે યોગ્ય સમયે છાપો મારી દલાલ અને સંચાલકને રંગે હાથ ઝડપ્યા હતા.
મહિલાઓ આર્થિક તંગીના કારણે આ ધંધામાં આવી
રેડ દરમિયાન હોટલના રૂમમાંથી ચાર મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી ત્રણ મોબાઇલ ફોન, ૧૧,૦૦૦ રૂપિયાની રોકડ રકમ અને અન્ય સામાન મળી કુલ ૩૧,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રેસ્ક્યૂ કરાયેલી ચાર મહિલાઓમાંથી એક નોઇડાની ૨૧ વર્ષની વિદ્યાર્થિની છે. તે રાજકીય વિજ્ઞાનનો અભ્યાસ કરી રહી છે અને પોતાના ભણતર તથા કોલેજ ફી માટે પૈસા એકત્ર કરવા માટે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાઈ હતી. પૂછપરછમાં તેણીએ જણાવ્યું કે ગરીબી અને આર્થિક તંગીને કારણે તે એક એજન્ટના માધ્યમથી સુરત આવી હતી. એજન્ટે તેને આ “પાર્ટ-ટાઈમ કામ”ના બહાને દેહવ્યાપારના ચક્રવ્યૂહમાં ધકેલી દીધી હતી.
બાકીની ત્રણ મહિલાઓ કોલકાતાની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેઓ પણ પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે આ કામમાં જોડાઈ હતી. પોલીસે તમામ મહિલાઓને કાઉન્સેલિંગ માટે મહિલા સંરક્ષણ કેન્દ્રમાં મોકલી છે, જેથી તેઓ આ દલદલમાંથી બહાર આવી શકે અને નવો જીવન માર્ગ અપનાવી શકે.
આ રેકેટનો મુખ્ય સૂત્રધાર રતન મહાદેવ ગયાન ઉર્ફે રાજુ છે, જે મહિલાઓને અલગ-અલગ શહેરોમાંથી બોલાવી હોટલમાં રાખતો હતો. તે ગ્રાહકો સાથે સંપર્ક કરીને શરીર સુખ માટે પૈસા વસૂલી મહિલાઓને ભાગ આપતો અને પોતાનો મોટો હિસ્સો રાખતો હતો. બીજો આરોપી પિયુષભાઈ લીલાભાઈ દેસાઈ, જે હોટલનો સંચાલક છે, દલાલના માધ્યમથી લાવવામાં આવેલા ગ્રાહકો માટે રૂમની વ્યવસ્થા કરી આપતો હતો અને રૂમ ભાડાના રૂપમાં કમાણી કરતો હતો.
બંને આરોપીઓ સામે પોલીસે “ધ ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને તેમને રાંદેર પોલીસ સ્ટેશનના હવાલે કરીને વધુ તપાસ શરૂ કરી છે. મહિલા સેલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે દેહવ્યાપારના મોટાભાગના કેસોમાં મહિલાઓ આર્થિક પરિસ્થિતિ અને લાલચના કારણે ફસાઈ જાય છે. પરંતુ શિક્ષિત વર્ગમાંથી આવેલી વિદ્યાર્થિનીઓ પણ આવી પ્રવૃત્તિમાં જોડાઈ રહી છે તે ચિંતાજનક છે. પોલીસે મહિલાઓને સ્વાભિમાન અને સન્માન સાથે જીવવાની પ્રેરણા આપવાનો સંદેશ આપ્યો છે અને સમાજને પણ આવા કેસો સામે સજાગ રહેવાની અપીલ કરી છે.