પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
શું સ્કૂલવેનમાં જતી તમારી દીકરીઓ સલામત છે? ગુજરાતના ડાયમંડ નગર તરીકે ઓળખાતા સુરત શહેરમાં અવાર-નવાર દુષ્કર્મ, છેડતીના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. જેને પગલે નાની દીકરીઓ માટે આ શહેર સુરક્ષિત નથી કે શું? તેવો પ્રશ્ન ઉઠે છે. આવી જ વધુ એક ઘટના સુરતમાં બની છે, જેમાં સ્કૂલવેનના ચાલકે ઘેનયુક્ત ચા પિવડાવી વિદ્યાર્થિનીની છેડતી કરી હતી, સાતમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની દુષ્કર્મના ઇરાદે છેડતી કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. સ્કૂલવેનનો ચાલક ૩ દિવસથી ઘેનયુક્ત ચા પિવડાવી ગંદી હરકત કરતો હતો, જ્યારે બીજી તરફ માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર ઘટનામાં શહેર પોલીસ દ્વારા નરાધમ સ્કૂલવેનના ચાલક સુભાસ પવારને પકડી પાડવામાં આવ્યો છે, તે વિધાર્થિનીને શાળાએ લઈ જાય અને ત્યારબાદ રસ્તામાં ચા પીવડાવી ગંદી હરકતો કરતો હતો તેમજ સાથે-સાથે દુષ્કર્મ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. નરાધમ ત્રણ દિવસથી આ જ કામ કરતો હતો પરંતુ વિધાર્થિનીને આ બાબતે જાણ થતા તેણે તેનાં માતા-પિતાને પણ જાણ કરી હતી. જે બાદ વિધાર્થિનીનાં માતા-પિતાએ પોલીસને સમગ્ર ઘટના જણાવી અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
કેસમાં આરોપી સ્કૂલવેનનો ચાલક સુભાસ પવાર ગાડી ચલાવવાનું કામ કરે છે, જે સ્કૂલવેનમાં સવારે અને બપોરે બાળકોને શાળાએ લેવા મૂકવા જાય છે. આ દરમિયાન પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું કે, દુષ્કર્મ આચરવાના બદ ઈરાદે તે આવું કરતો હતો. પોલીસ આ સમગ્ર મામલે રિમાન્ડ પણ માંગી શકે છે. પોલીસે બાળકીના તમામ રીપોર્ટ કરાવ્યા છે અને બાળકીની પૂછપરછ પણ શરૂ કરી છે.