Last Updated on by Sampurna Samachar
ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલને રૂપિયા ૩૦,૦૦૦ નો દંડ ફટકાર્યો
બાળકોને માનસિક શારીરિક ત્રાસ અપાતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલ રાજ્યમાં શિક્ષણ અને શાળાનું સંચાલન કથળી રહ્યું હોય તેવા સમાચારો સતત સામે આવી રહ્યા છે. અમદાવાદની નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે. આવામાં વડોદરામાં એક શાળાને બાળકોને શારીરિક ત્રાસ આપવાના આરોપમાં ૩૦૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા શિક્ષણ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

વડોદરાના ભાયલીમાં આવેલી ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલને રૂપિયા ૩૦૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફટકારવામાં આવ્યો છે. બાળકોને શારીરિક ત્રાસ આપવાનો ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલ પર આરોપ છે. આ સાથે ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સરકારી સૂચનાનું પાલન ન કરવાનો પણ આરોપ DEO દ્વારા લગાવવામાં આવ્યો છે. ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાયકાત વગરના શિક્ષકોને ફરજ પર રાખ્યાની વિગત પણ જિલ્લા શિક્ષણ અધિકારી આપી છે.
ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલ ફરિયાદોના આધારે કડક કાર્યવાહી કરવામાં આવી
આ મામલે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે, ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને માનસિક શારીરિક ત્રાસ આપવો, સરકારની સૂચનાઓનું પાલન ન કરવું અને લાયકાત વગરના શિક્ષકોને ફરજ પર રાખવા જેવી ફરિયાદોના આધારે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ બદલ ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલને રૂપિયા ૩૦૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.