Last Updated on by Sampurna Samachar
પ્રાથમિક સારવાર આપ્યા બાદ વિદ્યાર્થીઓને રજા અપાઇ દીધી
બસમાં સવાર બાળકો અને સ્ટાફમાં ફાળ પડી ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા શહેરના ગાંધીનગર લિંક રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે સ્કૂલના બાળકોથી ભરેલી બસને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે, બસમાં સવાર બાળકો અને સ્ટાફમાં ફાળ પડી ગઈ હતી.

અકસ્માત સમયે સ્કૂલ બસમાં અનેક વિદ્યાર્થીઓ સવાર હતા. ડમ્પરની ટક્કરને કારણે બસમાં સવાર બે બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તબિયત સુધારા પર હોવાથી તેમને રજા આપી દેવામાં આવી છે.
મહેસાણા પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી
અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મહેસાણા પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે. ગાંધીનગર લિંક રોડ પર લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી ડમ્પરના નંબર મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.