Last Updated on by Sampurna Samachar
રાજસ્થાન, ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોમાં સપ્લાય કરી
જયપુર પોલીસે નકલી નોટ રેકેટનો પર્દાફાશ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જે યુટ્યુબનો ઉપયોગ આપણે માહિતી મેળવવા માટે કરીએ છીએ, તેનો ઉપયોગ હવે નકલી નોટો છાપવા માટે થઈ રહ્યો છે. આ વાતથી તમે ચોંકી જશો. જેમ આખી દુનિયા ડિજિટલ હરણફાળ ભરી રહી છે તેમ તેમ ગુનેગારો પણ હાઈટેક બની ગયા છે. જયપુર પોલીસે એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જેણે માત્ર પોલીસ જ નહીં પણ દેશની સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે.

જયપુર પોલીસે નકલી નોટોના એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેના તાર છેક કાશ્મીર સુધી જોડાયેલા છે. આ ગેંગે માત્ર નકલી નોટો છાપી જ નથી, પણ તેને રાજસ્થાન, ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોમાં સપ્લાય પણ કરી છે.
અત્યાર સુધીમાં ૧૨ લાખથી વધુની નકલી નોટો વટાવી
ચોંકાવનારી વાત એ છે કે, આ ગુનેગારોએ નકલી નોટ બનાવવાની રીત યુટ્યુબ પરથી શીખી હતી અને ઘરને જ નોટ છાપવાની ફેક્ટરી બનાવી દીધી હતી. આ આરોપીઓ રાતના સમયે આ નકલી નોટો બજારમાં ચલાવતા હતા જેથી અંધારામાં કોઈ પકડી ન શકે. નવાઈની વાત એ છે કે આ ટોળકી ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી નોટો વેચવા માટે જાહેરાતો પણ આપતી હતી.
આ આરોપીઓની મોડસ જાણીને તમે ચોંકી ઉઠશો.
આરોપીઓ પાસે BCA ની ડિગ્રી
સારા ક્વોલિટીના બોન્ડ પેપરનો અને ફોટોશોપ સોફ્ટવેરનો ઉપયોગ
અસલી જેવી જ દેખાતી નકલી નોટો તૈયાર કરી
નોટમાં સિક્યુરિટી થ્રેડ બતાવવા માટે તેઓ પાવડર વાળી ઈન્ક અને ફોઈલ પેપરનો ઉપયોગ કરતા હતા, જેથી સામાન્ય માણસ છેતરાઈ જાય.
ઉલ્લેખનીય છે કે જયપુરના ચિત્રકૂટ વિસ્તારમાં થોડા દિવસો પહેલા પોલીસે ૬.૫૧ લાખની નકલી નોટો સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ જ્યારે આ કેસમાં તપાસ આગળ વધી અને માસ્ટરમાઈન્ડ સહારનપુરથી ઝડપાયો, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ગેંગ અત્યાર સુધીમાં બજારમાં ૧૨ લાખથી વધુની નકલી નોટો વટાવી ચૂકી છે.
કાશ્મીર સુધી આ નોટો પહોંચવી તે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે. આ નરાધમો ૧ લાખની અસલી નોટોના બદલામાં ૩ લાખની નકલી નોટો સપ્લાય કરતા હતા. હાલ તો પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે અને લોકોને અપીલ કરી છે કે ચલણી નોટ યોગ્ય રીતે ચેક કરીને જ સ્વીકારવી જોઈએ.