Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોના નિર્ણયોને પલટાવી દીધા
કોર્ટે પિતાની વસિયતને જ સર્વોપરી ગણાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુવતીના અન્ય જાતિમાં લગ્ન કર્યા બાદ પિતાની સંપત્તિમાંથી બેદખલ કરવા બાબતે સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો સામે આવ્યો છે. કોર્ટે પિતાની વસિયતને જ સર્વોપરી ગણાવી છે અને સ્પષ્ટ કર્યું છે કે વસિયત કરનારની ઈચ્છાને સર્વોચ્ચ માનવામાં આવશે. આ ર્નિણય સાથે, સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટનાએ ર્નિણયોને પલટાવી દીધા છે, જેમાં દીકરીને સંપત્તિમાં ભાગ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ મામલો કેરળનો છે, જ્યાં એન.એસ. શ્રીધરન નામના વ્યક્તિએ ૧૯૮૮માં બનાવેલી પોતાની રજિસ્ટર્ડ વસિયતમાં, તેમના નવ બાળકોમાંથી એક દીકરી શૈલા જોસેફને સંપત્તિમાંથી વંચિત રાખી હતી. આ પાછળનું કારણ એ હતું કે શૈલાએ પોતાના સમુદાયની બહાર લગ્ન કર્યા હતા. આ કેસમાં નીચલી અદાલતોએ પિતાની વસિયતને બાજુ પર રાખીને દીકરીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને સંપત્તિને નવ બાળકોમાં સરખા ભાગે વહેંચવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે યુવતીના ભાગલાના દાવાને ફગાવી દીધો
જોકે, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ ર્નિણયોને રદ કરી દીધા હતા. ચુકાદો લખતા જસ્ટિસ ચંદ્રને સ્પષ્ટપણે કહ્યું કે, “વસિયત સ્પષ્ટપણે સાબિત થઈ ચૂકી છે, તેમાં કોઈ હસ્તક્ષેપ કરી શકાય નહીં. શૈલા જોસેફનો તેમના પિતાની સંપત્તિ પર કોઈ દાવો નથી, કારણ કે વસિયત દ્વારા આ સંપત્તિ અન્ય ભાઈ-બહેનોને સોંપવામાં આવી છે.”
કોર્ટમાં શૈલાના વકીલે દલીલ કરી હતી કે તેમને ઓછામાં ઓછો ૧/૯ હિસ્સો મળવો જોઈએ, જે સંપત્તિનો નજીવો ભાગ છે. પરંતુ બેન્ચે સ્પષ્ટ કર્યું કે, “અમે અહીં ન્યાયસંગત વહેંચણી પર નથી. વસિયત કરનારની ઇચ્છા સર્વોપરી છે. તેની અંતિમ વસિયતથી વિચલિત થઈ શકાય નહીં.”
કોર્ટે એમ પણ ટિપ્પણી કરી કે, “અમે વસિયત કરનારની જગ્યાએ પોતાને મૂકી શકતા નથી. અમે અમારા વિચારો તેમના પર લાદી શકતા નથી; તેમની ઇચ્છા તેમના પોતાના કારણોથી પ્રેરાયેલી છે.” આ ચુકાદા સાથે, સુપ્રીમ કોર્ટે શૈલાના ભાગલાના દાવાને ફગાવી દીધો હતો.