Last Updated on by Sampurna Samachar
સૌરભ ચંદ્રાકરે ૨૦૧૮ માં મહાદેવ સટ્ટાબાજી એપ શરૂ કરી હતી
કો-ફાઉન્ડર રવિ ઉપ્પલને શોધીને ધરપકડ કરવા માટે આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
૬૦૦૦ કરોડથી વધુના મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડના આરોપી રવિ ઉપ્પલના દુબઈમાંથી ભાગી જવાને કારણે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલને શોધીને ધરપકડ કરવા માટે આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, વ્હાઇટ કોલર આરોપીઓને અદાલતો અને તપાસ એજન્સીઓને રમકડાંની જેમ ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં.

જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે આરોપી ઉપ્પલ કાયદાથી બચી જતાં ગંભીર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું, આ કોર્ટના વિવેકને હચમચાવે છે, હવે કંઈક કરવું જ પડશે. એવું કહેવાય છે કે ભારતમાં તપાસ એજન્સીઓથી બચી રહેલો ઉપ્પલ દુબઈથી કોઈ અજ્ઞાત સ્થળે ભાગી ગયો છે, જેના કારણે યુનાઇટેડ આરબ એમિરેટ્સના અધિકારીઓએ તેની પ્રત્યાર્પણ પ્રક્રિયા અટકાવી દીધી છે.
ઘણાં રાજ્યોમાં ફેલાયેલુ કૌભાંડનું કદ આશરે ૬,૦૦૦ કરોડનું
આ મામલે કોર્ટે સખત ટકોર કરતાં કહ્યું કે, આવા ગુનેગારો માટે અદાલતો અને તપાસ એજન્સીઓ ફક્ત રમકડાં બનીને નથી રહી શકતી. ED એ તેને વહેલી તકે શોધીને ધરપકડ કરવી જોઈએ. સર્વોચ્ચ અદાલત રવિ ઉપ્પલ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં તેણે છત્તીસગઢ હાઈકોર્ટના ૨૨ માર્ચના આદેશને પડકાર્યો હતો, જેણે ઉપ્પલને રાયપુરની નીચલી અદાલતમાં ચાલી રહેલા મની લોન્ડ્રિંગ કેસની કાર્યવાહીમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.
ED વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ કોર્ટને જણાવ્યું કે, ઉપ્પલ ૨૦૨૩માં દુબઈમાં કસ્ટડીમાં હતો, પણ હવે તે ત્યાંથી ભાગી ગયો છે. તેમણે એ પણ ઉમેર્યું કે આવા આર્થિક ગુનેગારો સામાન્ય રીતે એવા દેશોમાં છુપાઈ જાય છે જેમની સાથે ભારતની પ્રત્યાર્પણ સંધિ નથી, જેમ કે બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ. ઉપ્પલના વકીલે સમય માંગતા, બેન્ચે આ કેસની આગામી સુનાવણી ૧૪ નવેમ્બર પર નક્કી કરી. બેન્ચે વકીલને સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે તે ઉપ્પલને ભારત પરત આવીને કાયદેસર કાર્યવાહીનો સામનો કરવા માટે સમજાવે.
નોંધનીય છે કે, ડિસેમ્બર ૨૦૨૩માં ઇન્ટરપોલ નોટિસના આધારે ઉપ્પલની દુબઈમાં અટકાયત થઈ હતી, પરંતુ પાછળથી તેને નિરીક્ષણ હેઠળ મુક્ત કરવામાં આવ્યો હતો. ED ના મતે, ઉપ્પલ અને તેના સાથી સૌરભ ચંદ્રાકરે ૨૦૧૮ માં મહાદેવ સટ્ટાબાજી એપ શરૂ કરી હતી, જેના દ્વારા ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીનું સંચાલન થતું હતું.
એજન્સીઓના આંકડા મુજબ, આ કૌભાંડનું કદ આશરે ૬,૦૦૦ કરોડનું છે અને તે ઘણાં રાજ્યોમાં ફેલાયેલું છે. ઉપ્પલના સાથી ચંદ્રાકરની ઓક્ટોબર ૨૦૨૪માં દુબઈમાં ધરપકડ થઈ છે અને તેના પ્રત્યાર્પણની વિનંતી હજી બાકી છે. આ કેસ મૂળરૂપે છત્તીસગઢ પોલીસ દ્વારા તપાસવામાં આવતો હતો, જેમણે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પણ આરોપી બનાવ્યા હતા, પરંતુ બાદમાં તેની તપાસ કેન્દ્રીય તપાસ બ્યુરોને સોંપાઈ હતી.