Last Updated on by Sampurna Samachar
સંરક્ષણ દીવાલને કાળા રંગે રંગવાનો આદેશ આપ્યો
અમેરિકા હવે વધુ કડક બન્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દર બીજે-ત્રીજે દિવસે ટ્રમ્પ નવા પૈંતરા અજમાવતાં હોય છે. તાજેતરમાં તેમણે અમેરિકા-મેક્સિકો સરહદે બનાવાયેલી સંરક્ષણ દીવાલને કાળા રંગે રંગવાનો આદેશ આપ્યો છે. તેમનું માનવું છે કે, કાળો રંગ સૂર્યની ગરમીને વધુ માત્રામાં સંગ્રહ કરતો હોવાથી કાળી દીવાલ વધુ ગરમ થશે અને ઘૂસણખોરો એના પર ચઢીને સરહદ ઓળંગી નહીં શકે.

અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે ૧૯ ઓગસ્ટના રોજ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘આ પગલું ‘ટ્રમ્પની ઇચ્છા’ મુજબ લેવામાં આવી રહ્યું છે. કાળો રંગ દીવાલને ગરમ બનાવીને તેના ઉપર ચઢવાનું મુશ્કેલ બનાવશે.’ જોકે, નિષ્ણાતોની દલીલ છે કે આ માત્ર ભૌતિક અવરોધ નથી, પરંતુ માનસિક દમન પણ છે. આ એક પ્રતીકાત્મક સંદેશ છે કે, ‘અમેરિકા હવે વધુ કડક બન્યું છે.’ દીવાલને કાળા રંગે રંગવાનો વિચાર સરહદ પાર કરવા ઈચ્છતા લોકોને એવો સંદેશ આપવા માટે છે કે હવે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવો અશક્ય છે.
ટ્રમ્પે તો દીવાલને પોતાની રાજકીય ઓળખ જ બનાવી
ટ્રમ્પ તંત્ર આ યુક્તિ અસરકારક સાબિત થશે એમ કહી રહ્યું છે, પરંતુ નિષ્ણાતોનો પ્રશ્ન છે કે માત્ર દીવાલને કાળો રંગ કરવાથી ગેરકાયદે ઇમિગ્રેશન અટકી જશે? સરહદ પાર કરવાના બીજા પણ ઘણાં માર્ગો છે. જેમ કે, ટનલ, વાહન મારફતે પ્રવેશ, અથવા કાયદાકીય છીડાંનો ઉપયોગ. તેથી નિષ્ણાતો કહે છે કે, દીવાલનો કાળો રંગ માત્ર મર્યાદિત રીતે અસરકારક બનશે.
ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં સરહદે દીવાલ બનાવવી એ ટ્રમ્પનો મુખ્ય એજન્ડા હતો. બીજા કાર્યકાળમાં તેઓ ઘૂસણખોરોની ધરપકડ અને દેશનિકાલ પર ભાર મૂકી રહ્યા છે. તેઓ તેમની આકરી ઇમિગ્રેશન નીતિ જાળવીને અમેરિકનોને એવો સંદેશ આપવા માગે છે કે, જુઓ હું ચૂંટણીપ્રચાર દરમિયાન આપેલા વચનો નિભાવી રહ્યો છું. જાે કે, નિષ્ણાતો કહે છે કે વર્ષ ૨૦૨૬ માં અમેરિકામાં ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝ’ની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે તેથી ટ્રમ્પ તેમની ઈમિગ્રેશન નીતિ વિષયક કડકાઈનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવા ઈચ્છે છે.ટ્રમ્પના વિરોધીઓની દલીલ છે કે, આવા પગલાં માનવતાવાદી મૂલ્યોને નુકસાન પહોંચાડે છે. ગરમ દીવાલ પર ચઢતી વખતે ઇમિગ્રન્ટ્સ ગંભીર રીતે ઘાયલ થઈ શકે છે, જેને માનવ અધિકારનું ઉલ્લંઘન ગણાશે.
આ કારણસર આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની ‘લિબરલ’ અને ‘માનવ અધિકારના રક્ષક’ તરીકેની છબીને નુકસાન પહોંચશે. મેક્સિકો સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં પણ તણાવ વધી શકે છે. અમેરિકન રાજનીતિના નિષ્ણાતોનું કહેવું છે કે, ટ્રમ્પે ઇમિગ્રેશન નીતિ બાબતે આટલું કડક વલણ અપનાવવાને બદલે દેશના આર્થિક અને રાજકીય સુધારા બાબતે મહેનત કરવી જોઈએ. અમેરિકન જનતામાં આ મુદ્દે વિભાજન જોવા મળે છે. ટ્રમ્પના સમર્થકો માને છે કે કડક નીતિ જ ઘૂસણખોરી રોકવાનો એકમાત્ર રસ્તો છે.
જ્યારે પ્રગતિશીલ વર્ગ માને છે કે અમેરિકાની ઓળખ હંમેશાં ‘ઇમિગ્રન્ટ્સના દેશ’ તરીકેની રહી છે, અને ટ્રમ્પની કડક નીતિ એ મૂલ્યોને નષ્ટ કરે છે. એક સર્વે મુજબ રિપબ્લિકન મતદારોમાં ૭૫% લોકો આ ર્નિણયનું સમર્થન કરે છે, જ્યારે ડેમોક્રેટિક સમર્થનમાં આ આંકડો ૨૦%થી પણ ઓછો છે.અમેરિકન રાજકારણમાં સરહદ સુરક્ષા હંમેશથી વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે.
૧૯૯૦ ના દાયકામાં બિલ ક્લિન્ટનના સમયમાં ‘ઓપરેશન ગેટકીપર’ દ્વારા સરહદી સુરક્ષા પર ભાર મૂકાયો હતો. જ્યોર્જ ડબલ્યુ. બૂશના કાર્યકાળમાં ૯/૧૧ બાદ રાષ્ટ્રીય સુરક્ષાના નામે સરહદો પર નિયંત્રણ કડક બન્યું હતું. પરંતુ ટ્રમ્પે તો દીવાલને પોતાની રાજકીય ઓળખ જ બનાવી છે. તેમની ચૂંટણી સભાઓમાં ‘બિલ્ડ ધ વૉલ’ એ સૌથી લોકપ્રિય નારો હતો. હવે, દીવાલને કાળો રંગ કરાવવાની જાહેરાત એ જ રાજકીય વારસાને ફરી જીવંત કરવાનો પ્રયાસ ગણાવાઈ રહ્યો છે.