Last Updated on by Sampurna Samachar
ફિલ્મ વિવાહ જેવો કિસ્સો કેરળમાં બન્યો
લગ્નના દિવસે દુલ્હનનો ભયાનક અકસ્માત થયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિવાહ ફિલ્મ જેવો એક કિસ્સો કેરળમાંથી સામે આવ્યો હતો. એક કપલના લગ્ન પહેલા એવી ઘટના બની કે, દુલ્હન સીધી હોસ્પિટલ પહોંચી ગઈ હતી. કેરળના યુવક અને યુવતીના લગ્ન પહેલા ભાવુક ક્ષણ બની છે. દુલ્હન અવની અને તેમના થનારા પતિ શેરોને હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં જ લગ્ન કર્યા હતા. અવની અલપ્પુઝાની સ્કૂલ ટીચર છે. તે પોતાના લગ્નના ખાસ દિવસે મેકઅપ માટે પાર્લર જઈ રહી હતી, ત્યારે તેની કારનો ગંભીર અકસ્માત થયો હતો.

કોઈપણ યુવતી માટે પોતાના લગ્નનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. પરંતુ જાે લગ્નના દિવસે કોઈ ખરાબ ઘટના બને તો આખો પરિવાર ભાંગી પડે છે. કેરળમાં રહેતી એક યુવતી આવી જ ઘટનાનો ભોગ બની છે. લગ્નના દિવસે તે સલૂનમાં તૈયાર થવા જઈ રહી હતી ત્યારે કાર અકસ્માતમાં ઘાયલ થઈ ગઈ હતી. તેને તરત જ કોચીના લેકશોર હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
ઇમરજન્સી વોર્ડમાં સરળ લગ્ન સમારોહ યોજાયો
આ દિવસ તેને માટે ખૂબ જ ખાસ હતો, તેથી બંને પરિવારોએ લગ્ન રદ ન કરવાનો ર્નિણય લીધો હતો. ડોકટરો, નર્સો અને નજીકના સંબંધીઓની હાજરીમાં અવની અને એન્જિનિયરિંગ પ્રોફેસર શેરોને કોઈપણ સંગીત કે સજાવટ વિના સાતફેરા લીધા હતા.
હોસ્પિટલ પ્રશાસને કપલની ભાવનાઓને સમજતા ઇમરજન્સી વિભાગમાં લગ્ન કરવાની મંજૂરી આપી હતી. અકસ્માત રાત્રે લગભગ ૩ વાગ્યે થયો જ્યારે અવની કેટલાક સંબંધીઓ સાથે મેકઅપ માટે કુમારાકોમ જઈ રહી હતી.
ડ્રાઈવરે અચાનક નિયંત્રણ ગુમાવ્યું અને કાર વૃક્ષ સાથે અથડાઈ હતી. લોકો તરત જ મદદ માટે આવ્યા અને બધાને કોટ્ટાયમ મેડિકલ કોલેજ પહોંચાડ્યા હતા. કરોડરજ્જુમાં ગંભીર ઈજા થવાને કારણે અવનીને ૭૦ કિલોમીટર દૂર એર્નાકુલમના લેકશોર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
યુવતીના મંગેતરને જાણ થતાં જ તે તરત જ હોસ્પિટલ પહોંચ્યો અને બંને પરિવારોએ હોસ્પિટલ સ્ટાફને કહ્યું કે, લગ્ન નક્કી કરેલા સમયે જ કરવા છે. ડોકટરોની સલાહ લઈ ઇમરજન્સી વોર્ડમાં એક સરળ લગ્ન સમારોહ યોજાયો, જેમાં અવનીની સુવિધા અને સુરક્ષાનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું હતું. વીડિયો વાયરલ થતા લોકો તેને શાહિદ કપૂર અને અમૃતા રાવની ફિલ્મ વિવાહ સાથે જોડવા લાગ્યા હતા.
સોશિયલ મીડિયા પર કપલના લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેના પર યુઝર્સ વિવિધ પ્રતિક્રિયા આપીને પ્રેમ વરસાવતા જાેવા મળી રહ્યા છે. ઘણા યુઝર્સે કહ્યું હતું કે, આ પ્રકારનો પ્રેમ વિવાહ ફિલ્મની યાદ અપાવે છે, બીજાએ કહ્યું કે, સાચો પ્રેમ હજુ પણ જીવંત છે. તો કેટલાક લોકોએ સવાલો પણ ઉઠાવ્યા છે કે, તે ઠીક થવા દો, આ બધું ફિલ્મોમાં સારું લાગે રિયલમાં નહીં, હોસ્પિટલના બેડ પર લગ્ન કરવાનો મતલબ શું છે.