Last Updated on by Sampurna Samachar
સરફરાઝ ખાને ૧૪ છગ્ગા, ૫૬ બોલમાં સદી…
સરફરાઝ ખાને પણ ગોવા સામેની મેચમાં ૬૦ રનની ઈનિંગ રમી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિજય હજારે ટ્રોફીમાં સરફરાઝ ખાને દમદાર પ્રદર્શન કરીને ગોવા સામેની મેચમાં ૫૬ બોલમાં સદી ફટકારીને કહેર મચાવ્યો છે. સરફરાઝે પોતાની ઈનિંગમાં ૯ ચોગ્ગા અને ૧૪ છગ્ગા ફટકાર્યા હતા. તમને જણાવી દઈએ કે, સરફરાઝ ઉપરાંત તેના ભાઈ મુશીર ખાને પણ ગોવા સામેની મેચમાં ૬૦ રનની ઈનિંગ રમી.

મુશીરે ૬૬ બોલમાં ૬૦ રન બનાવ્યા, જેમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગા સામેલ છે. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે ૯૩ રનની પાર્ટનરશિપ ૬૦ બોલમાં થઈ હતી. આ પહેલા બંને ભાઈઓએ ઉત્તરાખંડ સામે પણ શાનદાર બેટિંગ કરી હતી. ઉત્તરાખંડ સામેની મેચમાં બંનેએ સાથે મળીને ૧૦૭ રન બનાવ્યા હતા. ગોવા સામે સરફરાઝ ખાને ૭૫ બોલમાં ૯ ચોગ્ગા અને ૧૪ છગ્ગા ફટકારીને ૧૫૭ રન બનાવ્યા.
૧૨૦ રન તો ચોગ્ગા અને છગ્ગાની મદદથી જ બનાવ્યા
તેની આ ઈનિંગ ૨૦૯.૩૩ના સ્ટ્રાઈક રેટ સાથે આવી છે. સરફરાઝ ખાને પોતાની ૧૫૭ રનની ઈનિંગમાં ૧૨૦ રન તો ચોગ્ગા અને છગ્ગાની મદદથી જ બનાવી દીધા. સરફરાઝ ખાનનું તાજેતરનું ફોર્મ શાનદાર રહ્યું છે. તે ઘરેલુ ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે વિજય હજારે ટ્રોફીની ચાર મેચોની ત્રણ ઈનિંગમાં એક ફિફ્ટી અને એક સદી ફટકારી છે.
સરફરાઝને આશા હશે કે ન્યૂઝીલેન્ડ સામેની આગામી ત્રણ મેચની વનડે સીરિઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવે, ત્યારે તેની આ ઈનિંગ્સને ધ્યાનમાં લેવામાં આવશે. હવે તેની પસંદગી થાય છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે સીરિઝ માટે ભારતીય ટીમનું એલાન ૫ જાન્યુઆરીએ થવાની શક્યતા છે.