માયાવતી આજ સુધી કોઈ ચૂંટણી બરાબર રીતે કેમ નથી લડ્યાં?
જો ત્રણેય પાર્ટી એક સાથે થઈ જાય છે તો ભાજપ ક્યારેય ચૂંટણી ન જીતી નહીં શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી રાયબરેલીની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. અહીં દલિત વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન તેમણે માયાવતીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ મૂળ ભારતી હોસ્ટેલમાં કહ્યું, મારો સવાલ છે કે, માયાવતી આજ સુધી કોઈ ચૂંટણી બરાબર રીતે કેમ નથી લડ્યાં? અમે ઈચ્છીએ છીએ કે તે ભાજપના વિરોધમાં મારી સાથે ચૂંટણી લડે. જો ત્રણેય પાર્ટી એક સાથે થઈ જાય છે તો ભાજપ ક્યારેય ચૂંટણી ન જીતી નહીં શકે.
લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, માયાવતી ભાજપની બી-ટીમ બનીને કામ કરી રહ્યાં છે. દેશના બંધારણમાં દલિતોના યોગદાનનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ડૉ. બી.આર આંબેડકર પાસે સુવિધાનો અભાવ હતો, તેમ છતાં તેમણે સંપૂર્ણ રાજકીય વ્યવસ્થાને હચમચાવી દીધી હતી. આ સિવાય રાહુલ ગાંધીએ દેશની ટોપ ૫૦૦ માં સામેલ અમુક ટોચની ખાનગી કંપનીના નામ લેતા રાહુલ ગાંધીએ યુવાનોને પુછ્યું કે, આમાથી કેટલી કંપનીના પ્રમુખ દલિત છે ?
કોંગ્રેસ સાંસદે દાવો કર્યો કે, આખીય વ્યવસ્થા દલિત વિરોધી અને કોઈ નથી ઈચ્છતું કે દલિત આગળ વધે. આ વ્યવસ્થા તમારા પર દરરોજ હુમલો કરે છે અને અડધાથી વધુ વખત તો તમને જાણ પણ નથી થતી કે, તે કેવી રીતે તમારા પર હુમલો કરે છે. તમારે સમજવાની જરૂર છે કે, બંધારણની વિચારધારા જ તમારી વિચારધારા છે. હું તમને ગેરંટી સાથે કહી શકુ છું કે, જો આ દેશમાં દલિત ન હોત તો આ દેશને બંધારણ જ ન મળત.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં ૧૦૦ યુવાઓને પુછ્યું કે, તમે લોકો ભણી રહ્યાં છો… જણાવો કે તમારામાંથી કેટલાં લોકોને નોકરી મળશે? તેમાંથી ફક્ત એક છોકરાએ હાથ ઊંચો કર્યો બાકીના લોકો કંઈ ન બોલ્યા. ૯૯ ટકા યુવાઓએ સ્વીકાર કર્યો કે, આજના ઉત્તર પ્રદેશમાં, આજના હિન્દુસ્તાનમાં તેમને રોજગારી નહીં મળે.