લોકસભા સચિવાલય તરફથી મળ્યુ સમન્સ
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકસભા બેઠક ખડૂર સાહેબ પરથી સાંસદ અમૃતપાલ સિંહને પોતાનું સાંસદ પદ ગુમાવવાનો ડર લાગી રહ્યો છે. તેણે આ માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં સંસદના ૬૦ દિવસવાળા નિયમને ટાંકવામાં આવ્યો છે.
અરજીમાં અમૃતપાલ સિંહે કહ્યું કે, સંસદમાં ગેરહાજરીના કારણે સભ્યપદ જતું રહેશે. નોંધનીય છે કે, અલગ ખાલિસ્તાન આંદોલનને ભડકાવવાના આરોપમાં જેલમાં બંધ અમૃતપાલે કેન્દ્ર સરકાર, પંજાબ સરકાર અને અન્ય સંબંધિત પાર્ટીને સંસદની કાર્યવાહીમાં સામેલ થવા માટેની મંજૂરીની માંગ કરી છે. અમૃતપાલ સિંહે કહ્યું કે, લોકસભા સચિવાલય તરફથી તેને એક સમન્સ મોકલવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું કે, ૬૦ દિવસ સુધી સતત ગેરહાજરીના કારણે તમારૂ સંસદ સભ્ય પદ રદ થઈ શકે છે.
અરજીમાં અમૃતપાલે આરોપ લગાવ્યો છે કે, મને જાણી જોઈને સંસદમાં ભાગ લેવા માટે રોકવામાં આવી શકે છે, જેથી મારી બેઠકનું પ્રતિનિધિત્વ ન હોય અને ખાલી જાહેર કરવામાં આવી શકે. ૬૦ દિવસથી વધારે મારી ગેરહાજરીના કારણે મારી બેઠક ખાલી જાહેર થઈ શકે છે અને મારૂ સભ્ય પદ જઈ શકે છે. ખડૂર સાહેબના લગભગ ૧૯ લાખ મતદાતાઓનું આનાથી નુકસાન થશે.
આ સિવાય, અમૃતપાલે MPLAD ફંડના અમલીકરણ અંગે અધિકારીઓ અને મંત્રીઓ સાથે મળવાની મંજૂરી આપવા માટે પણ નિર્દેશ માંગ્યો છે. આ યોજના સાંસદોને સ્થાનિક જરૂરિયાતોના આધારે વિકાસ પ્રોજેક્ટ્સની ભલામણ કરવાની મંજૂરી આપે છે.
અરજી અનુસાર, અમૃતપાલ સિંહે ગત વર્ષે ૩૦ નવેમ્બરે લોકસભા અધ્યક્ષ સાથે સંસદ સત્રમાં સામેલ થવાની મંજૂરી આપવાની ઔપચારિક માંગ કરી હતી. સંસદની કાર્યવાહીના ૪૬ દિવસની ગેરહાજરી પર પહેલીવાર સૂચિત કરવામાં આવ્યું છે. તેણે નાયબ કમિશ્નર, જિલ્લા મજિસ્ટ્રેટને સત્રમાં ભાગ લેવાની મંજૂરી માટે અરજી કરી હતી. પરંતુ, કોઈ પ્રતિક્રિયા ન મળી.