ભાજપ સાંસદ ઈજાગ્રસ્ત થવાના મામલે કોંગ્રેસે પણ નોંધાવી ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડૉ. આંબેડકર મુદ્દે સંસદમાં આપેલા નિવેદન પર રાજકારણ ગરમાયું છે. હવે આ મામલે આજે ભાજપ અને કોંગ્રેસ બંને આક્રમક મૂડમાં દેખાયા હતા અને જેના દૃશ્યો સંસદના પ્રાંગણમાં જ સામે આવ્યા હતા. જ્યાં ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. એવામાં હવે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
મહિલા સાંસદો સહિત કોંગ્રેસના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ ભાજપ વિરુદ્ધ ફરિયાદ કરવા સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. જ્યાં તેમણે લેખિત ફરિયાદ આપી હતી. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીએ બીજેપી સાંસદને ધક્કો માર્યો હતો. આ પછી તેઓ સાંસદ પ્રતાપ સારંગી પર પડ્યા હતા. જેમાં પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા. બંને સાંસદો હૉસ્પિટલમાં દાખલ છે. મહિલા સાંસદ ફાંગનોન કોન્યાક તરફથી રાહુલ ગાંધી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર, કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું, એક દલિત નેતા સાથે જે રીતે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેને ધક્કો મારવામાં આવ્યો હતો – તે બધું એક કાવતરું છે. જ્યારે કોંગ્રેસના સાંસદ જેબી માથુરે કહ્યું, અમે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી મકર દ્વાર સુધી શાંતિપૂર્ણ કૂચ કરી રહ્યા હતા. અમે ઘણા દિવસોથી શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છીએ. ભાજપના સાંસદો તરફથી એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું, તેઓએ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી અને અન્ય મહિલા સાંસદો સાથે જે રીતે વર્તન કર્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે.’ કહેવામાં આવી રહ્યું છે કે આ ઝપાઝપીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઘાયલ થયા છે. જ્યારે બીજેપીના અન્ય સાંસદ સંતોષ પાંડે ઘાયલ થયા છે.
કોંગ્રેસે આંબેડકર પર તેમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે આ નિવેદનનો વિરોધ કર્યો હતો. જ્યારે હવે ભાજપ દ્વારા પણ કોંગ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સવારે લગભગ ૧૦.૪૦ વાગ્યે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન માટે સંસદના મકર દ્વાર પર પહોંચી, તે જ સમયે ભાજપના નેતાઓ પણ મકર દ્વાર પર ઊભા હતા. જ્યારે બંને એકબીજાની સામે આવ્યા તો જોરથી સૂત્રોચ્ચાર શરુ થઈ ગયા.
એમાંથી ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ધક્કામુક્કીમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગીને ધક્કો વાગતાં તે પડી ગયા અને તેમને ઈજા થઈ. ભાજપ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ જણાવ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો હતો જે મારી ઉપર પડ્યા જેના લીધે હું દબાઈ ગયો. હું પગથિયાં પર ઊભો હતો.’