ભાજપે એકનાથ શિંદે વિના જ શપથવિધિની યોજના બનાવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે, એકનાથ શિંદેને મહારાષ્ટ્રના ડેપ્યુટી CM તરીકે શપથ લેવી પડી. કારણ કે ભાજપના ટોચના નેતાઓએ નવી સરકારના શપથ ગ્રહણ સમારોહને યોજના બનાવી હતી, કે જો તેઓ ‘અડગ’ રહેશે તો શપથ ગ્રહણ સમારોહ તેમના વગર જ આગળ વધારવામાં આવશે. રાઉતે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મહાગઠબંધનને ભારે બહુમતી મળી હોવા છતાં રાજ્ય સરકાર પાસે હજુ પણ સંપૂર્ણ કેબિનેટ નથી. એ હકીકત દર્શાવે છે કે, ગઠબંધનમાં બધું બરાબર નથી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં વિશાળ જનાદેશ હોવા છતાં ભાજપને સરકાર બનાવવામાં ૧૫ દિવસનો સમય લાગ્યો છે.
રાઉતે દાવો કર્યો કે, એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા પડ્યા હતા. ભાજપે એકનાથ શિંદે વિના શપથ ગ્રહણ સમારોહ યોજવાનું નક્કી કર્યું હતું. જો તેમણે ભાજપ પર દબાણ લાવવા માટે અક્કડ વલણ રાખ્યું હોત તો પક્ષના ટોચના નેતાઓએ (રાજ્ય નેતૃત્વને) તેમના વિના શપથ ગ્રહણ સમારોહ યોજવાની જાણકારી આપી દીધી હતી.
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત ભવ્ય સમારોહમાં ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ હાજરી આપી હતી. શિંદે શરૂઆતમાં ડેપ્યુટી સીએમ તરીકે સેવા આપવા માટે અનિચ્છા ધરાવતા હતા, પરંતુ ભાજપ અને તેમના પક્ષના ધારાસભ્યોના આગ્રહ પછી તેઓ આ પદમાં જોડાયા હતા. તેઓ નવી સરકારનો હિસ્સો બનશે કે નહીં તે અંગે તેમણે મૌન જાળવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહના થોડા કલાકો પહેલાં શિવસેનાના ધારાસભ્યએ પુષ્ટિ કરી હતી કે શિંદે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે.
રાઉતે આરોપ લગાવ્યો કે, ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને રાજ્યમાં “બદલાની રાજનીતિ” કરી રહી છે. શિંદે પર પરોક્ષ પ્રહાર કરતા રાઉતે કહ્યું કે, શપથ ગ્રહણ સમારોહ દરમિયાન કેટલાક ચહેરા પર ખુશી દેખાતી ન હતી. તેમણે કહ્યું કે, જ્યારે ઉદ્ધવ ઠાકરેએ ૨૦૧૯માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે પણ આ ચહેરાઓ ઉદાસ હતા.