Last Updated on by Sampurna Samachar
રૂ.૩૩૦૦ કરોડના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન પીએમ મોદી
૩૧ માર્ચ રોજ નરેન્દ્ર મોદી સાણંદમાં કેન્સ સેમિકોનની OSAT સુવિધાનો શુભારંભ કરાવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદમાં કેન્સ સેમિકોનની OSAT સુવિધાનો શુભારંભ કરાવશે. ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૪માં મંજૂરી આપવામાં આવી હતી. રૂ. ૩૩૦૦ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે.
![]()
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસથી આ દાયકો ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે. સરકારના પ્રયત્નો થકી ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસ માટે ખૂબ ઝડપથી કામગીરી થઈ રહી છે. ત્યારે તાજેતરમાં જ સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટના શુભારંભ બાદ હવે સુરતમાં વધુ એક પ્લાન્ટ કેન્સ સેમિકોનની OSAT સુવિધા શરૂ થવા જઈ રહી છે.
ભારતમાં સેમિકન્ડક્ટર હબ તરીકે સાણંદનો વિકાસ
આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટમાં ચિપનું ટેસ્ટિંગ અને પેકેજિંગ કરીને તેને માર્કેટમાં પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. એક અંદાજ અનુસાર ૩૧ માર્ચે શરૂ થનાર આ પ્લાન્ટમાં દિવસની ૬૦ લાખ ચિપ્સ બનશે. જેના થકી સ્થાનિક આર્થિક વિકાસને વધુ વેગ મળશે.
૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે પ્રોજેક્ટની ગતિશીલતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “જૂન-૨૦૨૩માં આ સુવિધા માટે થયા, સપ્ટેમ્બરમાં ખાતમુહૂર્ત થયું અને આજે ફેબ્રુઆરી ૨૦૨૬માં કોમર્શિયલ પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે. વિશ્વના વિકસિત દેશોમાં પણ આવી મંજૂરીઓ અને પ્રક્રિયાઓમાં વર્ષો નીકળી જતા હોય છે, પરંતુ ભારતે આ અશક્ય કામ માત્ર ૯૦૦ દિવસમાં પૂર્ણ કરીને બતાવ્યું છે. જ્યારે દાનત સાફ હોય અને નિષ્ઠા દેશના વિકાસ પ્રત્યે હોય, ત્યારે નીતિ સ્પષ્ટ બને છે અને ર્નિણયોમાં પણ ગતિ આપોઆપ આવી જતી હોય છે.”
ખૂબ જ ટૂંકા સમયગાળામાં, સાણંદના ઔદ્યોગિક વિકાસમાં નોંધપાત્ર પરિવર્તન. માઇક્રોન ટેકનોલોજી, કેન્સ સેમિકોન સાથે સીજી સેમિ દ્વારા પણ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. એક સમયે ઓટોમોબાઇલ હબ તરીકે જાણીતું સાણંદ હવે ભારતના પ્રથમ ચિપ પેકેજિંગ ક્લસ્ટર અને વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. તાઇવાનમાં સિંશું શહેર અને દક્ષિણ કોરિયાના ગ્યોંગી શહેરની જેમ ભારતમાં સેમિકન્ડક્ટર હબ તરીકે સાણંદનો વિકાસ થઇ રહ્યો છે.