પોલીસ ચોકીનું નિર્માણ કાર્ય જલ્દીથી શરૂ કરી દેવાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરપ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદમાં સર્વે દરમિયાન હિંસા ભડકી હતી. જેને લઈને તંત્રએ મોટો ર્નિણય લીધો છે. હવે શાહી જામા મસ્જિદની સામે ખાલી પડેલા મેદાનમાં નવી પોલીસ ચોકી બનાવવામાં આવશે તેમ નિર્ણય લેવાયો છે. તેના માટે જગ્યા નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં એડિશનલ SP અને CO શ્રીચંદ્રએ આ જગ્યાની માપણી કરી લીધી છે. સંભલના એડિશનલ SP શ્રીચંદ્રએ જણાવ્યું કે, ‘સુરક્ષાની દૃષ્ટિએ આ જગ્યા પર પોલીસ ચોકી બનાવવાનો ર્નિણય લેવાયો છે. પોલીસ ચોકીનું નિર્માણ કાર્ય જલ્દીથી શરૂ કરી દેવાશે.’
જ્યારે પોલીસ ફોર્સની સાથે ASP જામા મસ્જિદની બહાર પહોંચ્યા તો મસ્જિદ કમિટી અને આસપાસના લોકો પોતાની જમીનના કાગળ લઈને તેમની પાસે પહોંચ્યા. તેમણે જણાવ્યું કે, આ લોકો એટલા માટે કાગળ લઈને આવ્યા છે કારણ કે તેમનું કહેવું છે કે આ જગ્યા તેમની છે. અમે તેની તપાસ કરીશું. પોલીસ ટીમે તે જગ્યાની માપણી પણ કરી લીધી છે, જ્યાં પોલીસ ચોકી બનવાની છે. જે જગ્યા પર ચોકીનું નિર્માણ કરાશે, તે જગ્યા પર ચૂનો નાખીને નિશાન કરાયું છે.૨૪ નવેમ્બરના રોજ ASI ની ટીમ કોર્ટના આદેશ બાદ સંભલમાં જામા મસ્જિદનું સર્વેક્ષણ કરવા પહોંચી હતી ત્યારે ત્યાં હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હિંસા બાદ ચાર દિવસ સુધી બજારો બંધ રહી હતી અને વિસ્તારમાં તણાવનો માહોલ રહ્યો હતો. સંભલ પ્રશાસને જિલ્લામાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરી છે. આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી પણ કરી છે.