Last Updated on by Sampurna Samachar
વહીવટીતંત્રે ગુરુ અમરની સમાધિ શોધી કાઢી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં આવેલા અમરપતિ ખેડા વિસ્તારમાં ૩૦૦ થી ૪૦૦ પ્રાચિન સિક્કા મળી આવ્યા છે. આ સિક્કા પર રામ સિતા અને લક્ષ્મણની આકૃતિ બનેલી છે, જે બ્રિટિશકાળથી પણ જૂની હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત પથ્થરની મુર્તિ અને માટીના વાસણ પણ મળી આવ્યા હતાં. જે જગ્યા પરથી આ વસ્તુઓ મળી આવી છે, તે જગ્યા પૃથ્વીરાજ ચૌહાણના સમયગાળામાં ગુરુ અમરની સમાધિ પાસેનો વિસ્તાર છે. જે ૧૯૨૦થી ASI સુરક્ષા હેઠળ છે. બહાદુર યોદ્ધાઓ અલ્હા અને ઉદાલ ગુરુ અમરના શિષ્યો હતા.

હકીકતમાં સંભલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઐતિહાસિક તીર્થ સ્થળો શોધવા માટે સતત કોશિશ કરવામાં આવી રહી છે. જેમાં વહીવટીતંત્રે ગુરુ અમરની સમાધિ શોધી કાઢી છે, જેમને પૃથ્વીરાજ ચૌહાણના સમકાલીન માનવામાં આવે છે. સોત નદીના કિનારે આવેલા અલીપુર ખુર્દ ગામના અમરપતિ ખેડામાં સેંકડો વર્ષ જૂના સિક્કા અને માટીના વાસણો મળી આવ્યા છે. અમરપતિ ખેડાને લઈને એવું કહેવામાં આવે છે કે, આ સ્થળે અલ્હા ઉદલના ગુરુ અમર બાબાની સમાધિ છે.
જ્યારે ગામલોકોએ સિક્કા અને વાસણો મળવાની વાત કરી, ત્યારે એસડીએમ વંદના મિશ્રા એએસઆઈ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. આ સ્થળ ૧૯૨૦ માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યું હતું. જ્યારે ASI ટીમના અધિકારીઓ અને SDM ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થાનિક ગ્રામજનો સાથે વાત કરી અને માહિતી એકઠી કરી, ત્યારે જાણવા મળ્યું કે સમયાંતરે અહીં માટી ખોદવાથી પ્રાચીનકાળના સિક્કા અને કાળી માટીના વાસણો મળી આવે છે, જેને ગામલોકો લઈ જઈને તેનો ઉપયોગ કરે છે.
ત્યારે એસડીએમએ ગામ લોકો પાસેથી આ તમામ સિક્કાઓ મંગાવીને જાેયા હતા. ત્યારે સિક્કાની એક બાજુ રામ સીતાની છબી અને બીજી બાજુ લક્ષ્મણની છબી હતી. આ દરમિયાન ૧૮૫૯ ના બ્રિટિશકાળના વધુ સિક્કા પણ મળી આવ્યા. જે બાદ વહીવટી ટીમે માટીના વાસણો અને સિક્કા જપ્ત કર્યા હતા, જેની સંખ્યા ૩૦૦ થી ૪૦૦ હોવાનું કહેવામાં આવે છે.
પ્રાચિનકાળના સિક્કાઓ અને માટીના વાસણો મળ્યા બાદ SDM વંદના મિશ્રાએ DM ડૉ. રાજેન્દ્ર પેન્સિયાને માહિતી આપી હતી. ત્યારબાદ ડીએમના આદેશ પર વહીવટીતંત્રે આ તેને સુરક્ષિત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવું માનવામાં આવે છે કે ૧૯૨૦થી સચવાયેલા અલ્હા ઉદલના ગુરુ સંત આમની સમાધિ પાસે સનાતનના મોટા પુરાવા મળ્યા બાદ વહીવટીતંત્ર આગામી દિવસોમાં અહીં ખોદકામ કરાવી શકે છે. જેમાં કેટલીક વધુ મોટી અને મહત્ત્વપૂર્ણ વસ્તુઓ બહાર આવી શકે છે.
આ પ્રાચીનકાળની વસ્તુઓમાં કેટલાક સિક્કાઓ પર રામ, સીતા અને લક્ષ્મણની છબીઓ કોતરેલી છે. તો બાકીની કલાકૃતિઓ વિવિધ પ્રકારની બનેલી છે. ગામલોકોના કહેવા પ્રમાણે જ્યારે સોત નદીની માટીનું ધોવાણ થયું હતું, ત્યારે અહીં કેટલાક હાડપિંજર, પાણીના કુંડા અને પથ્થરો પણ મળી આવ્યા હતા.