આ મામલે ૨૫ ફેબ્રુઆરીએ આગામી સુનાવણી થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંભલ મંદિર-મસ્જિદ વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટે મોટો ર્નિણય લીધો છે. અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશના સંભલમાં ચાલી રહેલા મંદિર-મસ્જિદ વિવાદ કેસની સુનાવણી પર જિલ્લા કોર્ટની સુનાવણી પર રોક લગાવી છે. હાઈકોર્ટ આ મામલે ૨૫ ફેબ્રુઆરીએ આગામી સુનાવણી કરશે. અલ્હાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદની ઈંતજામિયા કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ સ્ટે લગાવ્યો છે. આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેંચે કરી હતી.
સંભલની જામા મસ્જિદ અંગે ઈંતજામિયા કમિટી દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં જિલ્લા અદાલતમાં ચાલી રહેલી સુનાવણી પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. સંભલની જિલ્લા કોર્ટમાં ૧૯ નવેમ્બરના રોજ હરિશંકર જૈન અને અન્ય દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ અરજીમાં શાહી જામા મસ્જિદના સ્થાન પર પૂર્વમાં મંદિર હોવાનું જણાવ્યું હતું. આ મામલે જિલ્લા કોર્ટે સર્વેનો આદેશ આપ્યો હતો. તેનો સર્વે રિપોર્ટ નિચલી કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટસ પ્રમાણે સર્વે રિપોર્ટમાં હિન્દુ ધર્મ સાથે જોડાયેલા ૫૦થી વધુ ફૂલોના નિશાનનો ઉલ્લેખ થયો છે. આ ઉપરાંત બે વટવૃક્ષ પણ મળી આવ્યા છે. મસ્જિદમાં કૂવો હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવે કારણ કે આ તમામ પુરાવા હિંદુ ધર્મ સાથે સંબંધિત છે, તેથી જ કહેવામાં આવે છે કે આ મસ્જિદ પહેલા અહીં મંદિર હતું. સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે, જૂના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નવા બાંધકામના કેટલાક પુરાવા પણ મળી આવ્યા છે.
સર્વે રિપોર્ટમાં મસ્જિદમાં લગાવવામાં આવેલા મોટા ઝુમ્મર અંગે પણ દાવો કરવામાં આવ્યો છે. એવો તર્ક આપવામાં આવ્યો છે કે, હકીકતમાં મંદિરોમાં ઘંટ એ જ સાંકળથી બાંધવામાં આવતા હતા છે જેના પર અત્યારે ઝુમ્મર લટકે છે. ધાર્મિક મહત્વ ઉપરાંત સંભલ અને તેની આસપાસના વિસ્તારો ભાજપ માટે રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીને બાદ કરતાં ભાજપને અહીં કંઈ ખાસ સફળતા નથી મળી. અહીંથી સપા અને બસપાને સફળતા મળી છે. વર્ષ ૧૯૯૮ અને ૧૯૯૯માં સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ પોતે અહીંથી જીત્યા હતા અને વર્ષ ૨૦૦૪માં રામ ગોપાલ યાદવ અહીંથી સંસદમાં પહોંચ્યા હતા.