Last Updated on by Sampurna Samachar
મહાકુંભમાં એક નહીં પણ બે જગ્યાએ થઇ નાસભાગમાં અનેક લોકોના મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે યુપી સરકારના મહાકુંભમાં પ્રભાવિત શ્રદ્ધાળુઓને મેડિકલ સર્વિસ, ભોજન અને કપડાં ઉપલબ્ધ કરાવવા જણાવ્યુ હતું. અખિલેશની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે મહાકુંભના સંગમ વિસ્તારમાં પવિત્ર સ્નાન કરવા જતી વખતે નાસભાગમાં ઓછામાં ઓછા ૩૦ લોકોના મોત થયા છે અને ૬૦થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે.
અખિલેશે કહ્યું કે, અકસ્માતની હકીકત સંતાડવી, આંકડા છુપાવવા, સાક્ષીઓ છુપાવવા એક ગુનો છે. ઉત્તર પ્રદેશ સરકાર વળતર ન આપવું પડે એટલે મૃતકોની સંખ્યા છુપાવી રહી છે. યુપી સરકાર તમામ જાણકારી છુપાવી રહી છે. સરકાર ઇચ્છે છે કે, લોકોનું ધ્યાન ભટકાવવામાં આવે, અકસ્માતની પાછળ કોઈ ષડયંત્ર નથી ફક્ત સરકારની નિષ્ફળતા છે, સાધુ-સંત પણ આ જ કહી રહ્યા છે.
આ સિવાય અખિલેશ યાદવે મહાકુંભમાં ફસાયેલા લોકોની મદદ માટે સલાહ પણ આપી છે. અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર આ પોસ્ટ શેર કરી યુપી સરકારને સલાહ આપી છે. નોંધનીય છે કે, મહાકુંભના સંગમમાં નાસભાગમાં ઓછામાં ઓછા ૩૦ લોકોના મોત થયા હતા. તેમજ મહાકુંભમાં ફક્ત એક નહીં પરંતુ બે જગ્યાએ નાસભાગ મચી હતી.
આ ઘટના સંગમના સામેના ભાગમાં જુસી વિસ્તારમાં પણ ભયાનક નાસભાગ મચી હતી. આ નાસભાગમાં પણ અનેક લોકોના મોત થયાની માહિતી મળી રહી છે. પરંતુ, ઉત્તર પ્રદેશ સરકાર અથવા તંત્ર તરફથી આ વિશે કોઈ વાત કરવા પણ તૈયાર નથી.