Last Updated on by Sampurna Samachar
૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો સંબંધિત કેસ
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આદેશ આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ કેસમાં કોંગ્રેસના પૂર્વ નેતા સજ્જન કુમારને મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જનકપુરી અને વિકાસપુરીમાં થયેલી હિંસાના મામલે પુરાવાના અભાવે સજ્જન કુમારને નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.

આ કેસ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો દરમિયાન દિલ્હીના જનકપુરી અને વિકાસપુરી વિસ્તારોમાં થયેલી હિંસા સાથે સંબંધિત હતો, જેમાં બે લોકોના મોત થયા હતા. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૫માં આ મામલે બે અલગ-અલગ FIR દાખલ કરવામાં આવી હતી.
ડિસેમ્બર ૨૦૨૫માં ચુકાદો અનામત રાખ્યો હતો
પ્રથમ FIR : ૧ નવેમ્બર, ૧૯૮૪ના રોજ સોહન સિંહ અને અવતાર સિંહની હત્યા સંબંધિત હતી. બીજી FIR : ૨ નવેમ્બર, ૧૯૮૪ના રોજ ગુરચરણ સિંહને જીવતા સળગાવી દેવાની ઘટના માટે હતી. આ બંને કેસમાં સજ્જન કુમાર મુખ્ય આરોપી તરીકે ટ્રાયલનો સામનો કરી રહ્યા હતા.
સુનાવણી દરમિયાન સજ્જન કુમારે કોર્ટમાં પોતાને સંપૂર્ણપણે નિર્દોષ ગણાવ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે તેમની વિરુદ્ધ એક પણ પુરાવો નથી અને તેઓ સપનામાં પણ આવી હિંસામાં સામેલ થવાનું વિચારી શકતા નથી. તેમણે તપાસ એજન્સી પર નિષ્પક્ષ તપાસ ન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
વિશેષ ન્યાયાધીશ દિગ્વિનય સિંહની કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ડિસેમ્બર ૨૦૨૫માં ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું કે સજ્જન કુમાર વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા નથી, જેના આધારે તેમને દોષિત ઠેરવી શકાય. આથી, કોર્ટે તેમને આ કેસમાંથી નિર્દોષ જાહેર કર્યા છે.