મહિલાના સંપર્કમાં હતો આરોપી ?
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો થયા બાદ રોજબરોજ નવા નવા ચોંકાનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ જ ક્રમમાં પશ્ચિમ બંગાળ પહોંચેલી મુંબઈ પોલીસની બે ટીમોએ તપાસ દરમિયાન નાદિયામાંથી એક મહિલાની ધરપકડ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસમાં સામે આવ્યું છે કે, મુંબઈમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિક જે સિમકાર્ડનો ઉપયોગ કરે છે, તે મહિલાના નામે રજીસ્ટર્ડ છે. તેથી પોલીસે પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં તપાસ અભિયાન હાથ ધરી મહિલાની ધરપકડ કરી છે.
પશ્ચિમ બંગાળ પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે નદિયા જિલ્લાના છપરામાંથી એક મહિલાને પકડી પાડી છે. પોલીસ તેને મુંબઈ લઈ જવા માટે ટ્રાન્જિટ રિમાન્ડની અરજી કરી શકે છે. મહિલાનું નામ ખુખુમોની જહાંગીર શેખ છે અને તે ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી શરીફુલ ફકીરને ઓળખે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ફકીર સિલીગુડી પાસેની ભારત-બાંગ્લાદેશ સરહદમાંથી ગેરકાયદે પ્રવેશી ભારતમાં ઘૂસ્યો હતો અને તે મહિલાના સંપર્કમાં આવ્યો હતો. મહિલા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના અંદુલિયાની રહેવાસી છે.
ઉલ્લેખનીય છે કે, ૧૫મી જાન્યુઆરીની મોડી રાત્રે, મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સતગુરુ શરણના ૧૨મા માળે સ્થિત અભિનેતા સૈફ અલી ખાનના નિવાસસ્થાને લૂંટના પ્રયાસ દરમિયાન એક વ્યક્તિએ તેમના પર છ વખત છરીથી હુમલો કર્યો હતો. ત્યારબાદ અભિનેતાને સારવાર માટે લીલાવતી હોસ્પિટલ લઈ જવાયો હતો. સારવાર બાદ તેને ૨૧ જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.