Last Updated on by Sampurna Samachar
ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂ પકડાયો
ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ ખાતેથી દારૂ અમદાવાદમાં લઇ જવાતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિવાળી પહેલા નર્મદામાંથી શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ વિવિધ કરામતોથી બુટલેગરો દારૂની હેરાફેરી કરતા ઝડપાય છે. ત્યારે નર્મદાના સાગબારા પોલીસે એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો છે.
એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવીને ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ ખાતેથી દારૂ અમદાવાદ લઈ જવાતો હતો. આ કેસમાં પોલીસે અમદાવાદમાં કોને આ દારૂ આપવાનો હતો તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
એમ્બ્યુલન્સમાં ચોર ખાનું બનાવવામાં આવ્યું
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, રાજસ્થાન રાજ્યના કરોલી ખાતેથી અમદાવાદ ખાતે વિદેશી દારૂ લઈ જવાતો હતો. આ વિદેશી દારૂ કુલ કિં.રૂ. ૩,૪૩,૮૦૦ નો પ્રોહી મુદ્દામાલ તથા એમ્બ્યુલન્સ મળી કુલ કિં.રૂ.૧૩,૫૩,૮૦૦ સાથે આરોપીને પકડી પાડવામાં સાગબારા પોલીસને સફળતા મળી છે.
આ લાખોનો વિદેશી દારૂ લઈ જવા માટે એમ્બ્યુલન્સમાં ચોર ખાનું બનાવવામાં આવ્યું હતું. ડ્રાઈવરની સીટની પાછળ એક ખાનું બનાવીને તેમાં વિદેશી દારૂના ખોખા મુકવામાં આવ્યા હતા. પહેલી નજરે જાેનારાને આ એમ્બ્યુલન્સમાં કાંઈ જ અજુગતું લાગે નહીં પરંતુ જો એક ખાનું ખોલીને તેમાં જાેવામાં આવે તો તેમાં વિદેશી દારૂના ખોખા ગોઠવવામાં આવ્યા હતા.
ભાવનગરના વરતેજ પોલીસે પણ દારૂ ઝડપી પાડ્યો છે. ગત મોડી રાત્રિના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, સોદાવદર ગામની સીમમાં આવેલ વાડીમાં ઈસમોએ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે અને દારૂની હેરાફેરી કરવાના છે. આ બાતમીના આધારે વરતેજ પોલીસે જાળીયા રોડ પર આવેલી વાડીમાં દરોડો પાડી વિદેશી દારૂની ૪૪૪ બોટલ કિં.રૂ. ૫,૭૭,૨૦૦ સાથે અજય ગોપાભાઈ ચૌહાણ (રહે. મૂળ વરલ,તા.સિહોર,હાલ ભાવનગર), વિક્રમ ઉર્ફે વિકો ભુપતભાઈ ચૌહાણ (રહે. સોડવદર), ગોપાલ ઉર્ફે ભોલો નટુભાઈ ચૌહાણ (રહે. સોડવદર) અને વિજય ભુપતભાઈ ચૌહાણ (રહે.ફુલસર, ભાવનગર) ને ઝડપી લીધા હતા.
પોલીસે વિદેશી દારૂ, ઈકો કાર તેમજ મોબાઈલ ફોન મળી સાત લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વિદેશી દારૂનો જથ્થો સુરતના શખ્સે મોકલ્યો હોવાનું તેમજ ભાવનગરના બે શખ્સ ઈકો ગાડી લઈને દારૂ લેવા આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ બનાવ સંદર્ભે પોલીસે પાંચ શખ્સ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.