Last Updated on by Sampurna Samachar
હૈદરાબાદ-બહરીન ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગલ્ફ એરની ફ્લાઈટ મળી હતી ધમકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બહરીનથી હૈદરાબાદ આવી રહેલી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચ્યો હતો. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગલ્ફ એરની ફ્લાઈટ નંબર GF 274, , જે બહરીનથી હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટ (રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ) માટે ઉડાન ભરી રહી હતી, તેને સુરક્ષાના કારણોથી મુંબઈ લેન્ડ કરી દેવાઈ.

અધિકારીઓને વિમાનમાં બોંબ હોવાની માહિતી મળી. ધમકી ભર્યો કોલ આવતા જ સુરક્ષા એજન્સીઓ અને એર ટ્રાફિક કંટ્રોલ તાત્કાલિક હરકતમાં આવી ગયા. સુરક્ષાના ભાગરૂપે પાઇલટને હૈદરાબાદના બદલે નજીકના મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો. વિમાને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું.
વિમાનની અંદર અને લગેજ હોલ્ડમાં ઊંડાણપૂર્વક તપાસ કરાઇ
લેન્ડિંગ બાદ તાત્કાલિક વિમાનને એરપોર્ટના એક આઇસોલેટેડ બેમાં લઈ જવાયું. કેન્દ્રીય સુરક્ષા દળ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ વિમાનને ઘેરીને મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તમામ મુસાફરો અને પાઇલટને સુરક્ષિત નીચે ઉતારાયા. મળતા રિપોર્ટ્સ અનુસાર, વિમાનની અંદર અને લગેજ હોલ્ડમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. સુરક્ષા પ્રોટોકોલ હેઠળ મુસાફરોના સામાનની પણ બે વખત તપાસ કરાઈ.
આ ઘટનાની અસર હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટ પર પણ જોવા મળી. ફ્લાઇટ ડાયવર્ટ થવાના સમાચાર મળતા જ એરપોર્ટને હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું. ત્યાં પોતાના પરિવારજનોની રાહ જોઈ રહેલા લોકો અને અન્ય મુસાફરોમાં પણ ચિંતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.
સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરાઈ હતી અને એ નક્કી કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો કે ધમકી માત્ર એક અફવા હતી કે તેમાં કોઈ વાસ્તવિકતા હતી. ગલ્ફ એર કે નાગરિક ઉડ્ડયન અધિકારીઓ તરફથી હજુ વિસ્તૃત સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક છે.