Last Updated on by Sampurna Samachar
લોકોને અપીલ કરવા છતાં ટ્રાફિક નિયમોની થાય છે અવગણના
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ – ઉદયપુર નેશનલ હાઈવે પર હિંમતનગરથી પસાર થવું એટલે કે જાણે કે માથાનો દુખાવો બની ચુક્યો છે. તો હિંમતનગર શહેરમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. જેને લઈ હવે હિંમતનગર શહેર ટ્રાફિક અને સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ રાજુ બનીને ફરતા વાહન ચાલકો સામે દંડનો દંડો ઉગામ્યો છે.
હિંમતનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા જાણે કે છેલ્લા એકાદ વર્ષમાં ખૂબજ વણસી ચૂકી છે. વાહન ચાલકોની અણસમજ આ સમસ્યાને વધારે મુશ્કેલ બનાવી રહી છે. છેલ્લા એક માસથી લોકોને અપીલ કરવા અને જાગૃતિ ફેલાવવા છતાં પણ ટ્રાફિકના નિયમોને અવગણતા વાહન ચાલકોની સામે ટ્રાફિક પોલીસે હવે કાર્યવાહી શરુ કરી છે.
હિંમતનગર શહેર ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા હવે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જેમાં ખાસ કરીને રોંગ સાઈડ વાહન હંકારતા વાહનચાલકોને દંડવામાં આવી રહ્યા છે. તો વળી જોખમી રીતે અને રોંગ સાઈડ વાહન હંકારવા સહિતને લઈ ટ્રાફિક પોલીસે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. એક જ દિવસમાં ૬૦ થી વધારે વાહન ચાલકોને રોંગ સાઈડ વાહન હંકારવાને લઈ દંડ આપવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરની મેડિસિટી ચોકડી, મોતીપુરા સર્કલ, સહકારી જીન સહિત શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારે દંડનીય કાર્યવાહી કરીને રોંગ સાઈડની આદત છોડાવવા માટે પ્રયાસ કરાયો છે!