Last Updated on by Sampurna Samachar
અન્ડરગ્રાઉન્ડ ગેસ સ્ટોરેજ ફેસિલિટી પર મિસાઈલ અટેક
હુમલાને કારણે સમગ્ર લ્વિવ ઓબ્લાસ્ટમાં ગેસનું પ્રેશર ઘટ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે વધુ વિનાશક તબક્કામાં પહોંચ્યું છે. રશિયાએ તેની અત્યંત ઘાતક અને હાઇપરસોનિક ક્ષમતા ધરાવતી ઇન્ટરમીડિયેટ-રેન્જ બેલિસ્ટિક મિસાઇલ ઓરેશ્નિકથી યુક્રેન પર હુમલો કર્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયનાએ દાવો કર્યો છે કે આ હુમલો ડિસેમ્બર ૨૦૨૫ માં પ્રમુખ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર થયેલા ડ્રોન હુમલાનો વળતો જવાબ છે.

અહેવાલો અનુસાર, રશિયાએ આ વખતે યુક્રેનના પશ્ચિમ ભાગમાં આવેલા લ્વિવ ક્ષેત્રને નિશાન બનાવ્યું છે. સ્ટ્રાઇ શહેર નજીક આવેલી યુક્રેનની સૌથી મોટી અન્ડરગ્રાઉન્ડ ગેસ સ્ટોરેજ ફેસિલિટી પર મિસાઈલ ખાબકી હતી. આ હુમલાને કારણે સમગ્ર લ્વિવ ઓબ્લાસ્ટમાં ગેસનું પ્રેશર ઘટી ગયું છે અને અનેક વિસ્તારોમાં પુરવઠો સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. કડકડતી ઠંડીમાં ગેસ પુરવઠો ખોરવાતા નાગરિકોની હાલત કફોડી બની છે.
આ હુમલાથી નાટો દેશોમાં પણ ફફડાટ ફેલાયો
અઠમી અને નવમી જાન્યુઆરી, ૨૦૨૬ની રાત્રે યુક્રેન પર મોટો હુમલો થયો, જેમાં ૨૪૨ ડ્રોન અને ૩૬ મિસાઇલોનો સમાવેશ થતો હતો, જેમાં ઓરેશ્નિક મિસાઇલનો પણ સમાવેશ થતો હતો. આ હુમલાને શિયાળાની ઋતુમાં ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડીને યુક્રેનને ઘૂંટણિયે લાવવાની રશિયાની આ મોટી ચાલ હોવાનું મનાય છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યાનુસાર, યુક્રેને નવગોરોડ ક્ષેત્રમાં પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના બદલામાં આ મિસાઈલ છોડવામાં આવી છે. જાેકે, યુક્રેને આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે. બીજી તરફ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રશિયાના આ દાવાને નકારી કાઢતા કહ્યું કે પુતિનના ઘર પર કોઈ હુમલો થયો નથી.
ઉલ્લેખનીય છે કે,વિશ્વમાં આ મિસાઈલનો આ બીજો જ ઉપયોગ છે. અગાઉ નવેમ્બર ૨૦૨૪માં રશિયાએ પ્રથમ વખત ડિનિપ્રો શહેર પર આ મિસાઈલનો ઉપયોગ કરીને પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી. પોલેન્ડ સરહદથી માત્ર ૭૫ કિ.મી. દૂર થયેલા આ હુમલાથી નાટો દેશોમાં પણ ફફડાટ ફેલાયો છે.