Last Updated on by Sampurna Samachar
રશિયા રાષ્ટ્રપતિ પુતિને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત
પહેલગામ હુમલાની ટીકા કરી ગુનેગારોને સજા આપવા કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહલગામ હુમલાને લઇ પાકિસ્તાનને સીધો સંદેશ આપ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે, પહલગામના ગુનેગારોને સજા મળવી જોઈએ. પુતિને PM મોદીને ફોન કર્યો અને ભારતના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી. તેમણે નિર્દોષ લોકોના મોત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી. આ અંગે વિદેશ મંત્રાલયે આ માહિતી આપી હતી.
પુતિને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ જઘન્ય હુમલાના ગુનેગારો અને તેમના સમર્થકોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ. બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચેની ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને વિજય દિવસની ૮૦ મી વર્ષગાંઠ પર અભિનંદન આપ્યા અને તેમને આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારી વાર્ષિક સમિટમાં આમંત્રણ આપ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની યોજાશે બેઠક
આ પહેલા રશિયા (RASIA) ના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે પહલગામ આતંકવાદી હુમલા અંગે એસ જયશંકર સાથે ફોન પર વાત કરી હતી. તેમણે બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી હતી. પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ બારણે બેઠક યોજાવાની છે. પાકિસ્તાને આ મુદ્દે તાત્કાલિક બેઠક બોલાવવાની માંગ કરી હતી.
પાકિસ્તાની રાજદૂત ગયા અઠવાડિયે ગુટેરેસને મળ્યા હતા અને તેમને પ્રદેશની સુરક્ષા પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક કડક ર્નિણયો લીધા છે, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, અટારી સરહદ બંધ કરવી અને રાજદ્વારી સંબંધો મર્યાદિત કરવા શામેલ છે.