Last Updated on by Sampurna Samachar
આ પરિવર્તન માટે ભારે આર્થિક બોજ સહન કરવો પડી શકે
રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરીને ભારત યુક્રેન યુદ્ધમાં પુતિનને મદદ કરી રહ્યું હોવાનો દાવો કરવાની સાથે ભારત પર ૫૦ ટકા ટેરિફ ઝિંકી દીધો છે. આ સાથે ટ્રમ્પ સતત ભારત પર રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરવાનું દબાણ કરી રહ્યા છે. આવા સંજોગોમાં ભારતીય રિફાઈનરીઓ ટેકનિકલરૂપે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલના સપ્લાય વિના કામ ચલાવી શકે છે પરંતુ તેમણે આ પરિવર્તન માટે ભારે આર્થિક બોજ સહન કરવો પડી શકે છે તેમ વિશ્લેષકોનું કહેવું છે.
વિશ્લેષકોનું કહેવું છે કે રશિયન ક્રૂડ ઓઈલ ઉચ્ચ ડિસ્ટિલેટ ઉત્પાદન વધારે છે. તેનો અર્થ એ છે કે ક્રૂડ ઓઈલના રિફાઈનિંગ સમયે બનતા પેટ્રોલ, ડીઝલ અને વીમાન ઈંધણનો ભાગ વધુ હોય છે. ભારતની રિફાઈનરીઓના વપરાશમાં રશિયન ક્રૂડ ઓઈલનો હિસ્સો ૩૮ ટકા જેટલો છે. વૈશ્વિક વિશ્લેષણ કંપની કેપ્લરના અહેવાલ મુજબ રશિયન ક્રૂડ ઓઈલને વૈકલ્પિક ક્રૂડથી બદલવાથી ઉત્પાદનમાં પરિવર્તન આવશે. તેના પગલે ડીઝલ, અને જેટ ફ્યુઅલનું ઉત્પાદન ઘટશે તથા આડ પેદાશોનું ઉત્પાદન વધી જશે.
રશિયા ભારત માટે ક્રૂડ ઓઈલનું સૌથી મોટું સપ્લાયર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે ભારત પર અમેરિકામાં નિકાસ પર વધારાનો ૨૫ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ દંડ સ્વરૂપે છે. તેથી ભારત પર કુલ અમેરિકન ટેરિફ વધીને ૫૦ ટકા થઈ ગયો છે. આ સંજોગોમાં ભારતીય રિફાઈનરીઓએ રશિયામાંથી ક્રૂડ ઓઈલની ખરીદી ઘટાડવા અંગે ચર્ચા શરૂ કરી છે.
કેપ્ટલેર તેના રિપોર્ટ ભારતીય આયાત પર અમેરિકન ટેરિફ, ઊર્જા બજારો અને વેપાર પ્રવાહ પર અસરમાં જણાવ્યું છે કે ટેકનિકલ દૃષ્ટિએ ભારતીય રિફાઈનરી રશિયન ક્રૂડ ઓઈલ વિના કામ ચલાવી શકે છે, પરંતુ આ પરિવર્તન માટે તેણે જંગી આર્થિક બોજ ઉપાડવાની સાથે વ્યૂહાત્મક સમજૂતી પણ કરી પડશે.
રિપોર્ટ મુજબ ભારે છૂટ અને ભારતની રિફાઈનરી સિસ્ટમને અનુકુળ હોવાના કારણે રશિયન ક્રૂડ ઓઈલની આયાતમાં વધારો થયો હતો. રશિયન ક્રૂડ ઓઈલ ઊંચું ડિસ્ટિલેટ ઉત્પાદન (ડીઝલ અને જેટ ફ્યુઅલ)નું સમર્થન કરે છે અને ભારતની અત્યાધુનિક રિફાઈનિંગ સિસ્ટમને અનુરૂપ છે. તેણે સરકારી અને ખાનગી બંને રિફાઈનરીઓને મજબૂત માર્જીન જાળવી રાખવામાં મદદ કરી છે.
વોલ્યુમની દૃષ્ટિએ જોઈએ તો ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૫માં કુલ ૨૪.૫ કરોડ ટનના શિપમેન્ટમાંથી રશિયા પાસેથી ૮.૮ કરોડ ટન ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. પશ્ચિમી દેશોએ રશિયાના ક્રૂડ ઓઈલની ખરીદી પર પ્રતિબંધ મૂક્યા પછી ભારતે ડિસ્કાઉન્ટ કિંમતે રશિયામાંથી ક્રૂડની ખરીદી વધારી હતી અને આજે રશિયા ભારત માટે ક્રૂડ ઓઈલનું સૌથી મોટું સપ્લાયર છે.