Last Updated on by Sampurna Samachar
૫૭૪ ડ્રોન અને ૪૦ મિસાઈલો ઝિંકી તબાહી મચાવી
તાજેતરમાં બંને દેશના રાષ્ટ્રપતિએ ટ્રમ્પ સાથે કરી હતી બેઠક
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયાએ યુક્રેન પર વર્ષનો ત્રીજો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હોવાના સમાચાર મળ્યા છે. રશિયન સેનાએ પશ્ચિમી ક્ષેત્રમાં ૫૭૦ થી વધુ ડ્રોન અને ૪૦ મિસાઇલો ઝિંકી ભયાનક તબાહી મચાવી છે. તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમીર ઝેલેન્સ્કીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ રશિયા-યુક્રેનનું યુદ્ધ બંધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી, જોકે રશિયન સેનાનો તાજેતરનો હુમલો જતા એવું લાગી રહ્યું છે, બંને દેશો પાછીપાની કરવા તૈયાર નથી.
રશિયન સેનાએ આ વર્ષનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હોવાનો યુક્રેન એરફોર્સે દાવો કર્યો છે. એરફોર્સે આક્ષેપ કર્યો છે કે, રશિયન સેનાએ ૫૭૪ ડ્રોન અને ૪૦ મિસાઈલો ઝિંકી તબાહી મચાવી છે. સેનાએ સૌથી વધુ યુક્રેનના પશ્ચિમ વિસ્તારોને ટાર્ગેટ કર્યા છે. યુક્રેન એરફોર્સના અધિકારીઓનું કહેવું છે કે, રશિયાના હુમલામાં એક નાગરિકનું મોત થયું છે, જ્યારે ૧૫થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ આઠમો સૌથી મોટો હુમલો હતો
હુમલા બાદ ઝેલેન્સ્કીએ પુતિન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, તાજેતરના હુમલાથી એવા સંકેત મળી રહ્યા છે કે, રશિયા કોઈપણ રીતે યુદ્ધવિરામ ઈચ્છતું નથી. મોસ્કો તરફથી યુદ્ધ બંધ કરાવવા કે પછી યોગ્ય વાતચીત કરવા માંગતું હોવાના કોઈપણ સંકેત મળ્યા નથી. યુક્રેનના વિદેશ મંત્રી એન્ટ્રી સાઈબિહાએ કહ્યું કે, ‘રશિયન સેનાએ પશ્ચિમ યુક્રેનના એક મુખ્ય અમેરિકન ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચર કંપની પર હુમલો કર્યો છે.’
ચોંકાવનારી વાત એ છે કે, રશિયાએ યુક્રેનના જે વિસ્તારમાં હુમલો કર્યો છે, તે યુદ્ધ ક્ષેત્રથી ઘણું દૂર આવેલું છે. રિપોર્ટ મુજબ, પશ્ચિમ દેશો યુક્રેનને આપેલા સૈન્ય હથિયારો તે જ વિસ્તારમાં પહોંચાડે છે. કદાચ આ જ કારણે રશિયાએ પશ્ચિમ યુક્રેનને ટાર્ગેટ કર્યું હોઈ શકે છે. અધિકારીઓએ કહ્યું કે, હુમલામાં ઉપયોગ કરાયેલ ડ્રોનની ગણતરી કરવામાં આવી છે, તે મુજબ યુક્રેન પર આ વર્ષનો સૌથી મોટો હુમલો કરાયો છે. ડ્રોન અને મિસાઈલોની ગણતરી મુજબ આ આઠમો સૌથી મોટો હુમલો હતો.