Last Updated on by Sampurna Samachar
રશિયાએ ભારતને અત્યાર સુધીમાં ઘણા શસ્ત્રો પૂરા પાડ્યા
દુશ્મન દેશને લાગશે ઝટકો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત પોતાની સંરક્ષણ શક્તિ વધારવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. માત્ર સ્વદેશી શસ્ત્રો જ નહીં, પરંતુ વિશ્વના સૌથી શક્તિશાળી શસ્ત્રો પણ ભારતમાં આવી રહ્યા છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને તાજેતરના સંઘર્ષને ધ્યાનમાં રાખીને, ભારત દરેક મોરચે પોતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતના મિત્ર દેશ રશિયાએ અત્યાર સુધીમાં ઘણા શસ્ત્રો પૂરા પાડીને ભારતીય સૈન્યને મજબૂત બનાવ્યું છે. હવે રશિયા તરફથી ફરી એકવાર મોટી ઓફર આવી છે.
આ વખતે રશિયાએ ભારત સાથે ઘણા અદ્યતન શસ્ત્રો અને ટેકનોલોજી શેર કરવાની ઓફર કરી છે. આ ફક્ત ભારતના લશ્કરી આધુનિકીકરણના લક્ષ્યોને પૂર્ણ કરશે નહીં, પરંતુ દુશ્મનને પણ જોરદાર ઝટકો આપશે. ચાલો જાણીએ કે રશિયાએ ભારતને કયા હથિયારો ઓફર કર્યા છે ?
ભારતની દરિયાઈ શક્તિમાં વધારો કરશે
ભારતને લાંબા સમયથી ૫મી પેઢીના ફાઇટર એરક્રાફ્ટની જરૂર હતી. હવે રશિયાએ તેના પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર SU – 57E ના સંયુક્ત ઉત્પાદનનો પ્રસ્તાવ મૂક્યો છે. તે ભારતને સમગ્ર ટેકનોલોજી અને સોફ્ટવેર કોડ આપવાની વાત કરે છે, જેથી ભારત તેના શસ્ત્રો અને સિસ્ટમો તેમાં ઉમેરી શકે. ભારત પાસે પહેલાથી S-૪૦૦ મિસાઇલ સિસ્ટમ છે. હવે રશિયાએ આગામી પેઢીના S-૫૦૦ પ્રોમિથિયસ આપવાની વાત કરી છે. આ સિસ્ટમ ઓછી ભ્રમણકક્ષામાં હાઇપરસોનિક મિસાઇલો, ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલો અને ઉપગ્રહોનો પણ નાશ કરી શકે છે. તેને S -૪૦૦ નો બિગ બ્રધર પણ કહેવામાં આવે છે.
રશિયાએ TU – 160 ‘બ્લેકજેક‘ બોમ્બર પણ ઓફર કર્યો છે. તે એક સુપરસોનિક, લાંબા અંતરનું બોમ્બર છે જે ભારતને એવી લશ્કરી શક્તિ આપી શકે છે જે પશ્ચિમી દેશો પાસે પણ નથી. રશિયાએ ભારતની છ કિલો વર્ગની સબમરીનને અપગ્રેડ કરવાનો અને તેમાં ૨,૦૦૦ કિલોમીટરની રેન્જ ધરાવતી કેલિબર મિસાઇલો સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત, બીજી અકુલા-ક્લાસ પરમાણુ સબમરીન ભાડે લેવાની ચર્ચા છે, જે ભારતની દરિયાઈ શક્તિમાં વધારો કરશે.