Last Updated on by Sampurna Samachar
ડિફેન્સ સેક્ટરમાં આર્ત્મનિભર બનવાની જરૂર
ગત વર્ષે ભારતે રેકોર્ડ સંખ્યામાં ડિફેન્સ કોન્ટ્રાક્ટ કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વમાં જિઓ-પોલિટિકલ ટેન્શન સતત વધી રહ્યું છે. ઈરાન- ઈઝાયલ અને રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયા ભારતને S -૪૦૦ મિસાઈલ સિસ્ટમની ડિલિવરી આપવા પ્રતિબદ્ધ છે.
દેશના રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહે મીડિયા સાથે ઈન્ટરવ્યૂમાં વૈશ્વિક પડકારોની સપ્લાય ચેઈન અને ભારતની સ્ટ્રેટેજી પર અસર મુદ્દે જવાબ આપતી વખતે આ અંગે જણાવ્યું કે, યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયા આગામી વર્ષે S -૪૦૦ મિસાઈલ સિસ્ટમની ડિલિવરી આપવા પ્રતિબદ્ધ છે. જેમાં થોડો વિલંબ થવાની સંભાવના જોવા મળી રહી છે. ભારત કોન્ટ્રાક્ટને સમયસર પૂર્ણ કરવા ઉપરાંત તેની ક્ષમતાઓમાં વધારો કરવા પર ફોકસ કરી રહ્યું છે. ગત વર્ષે ભારતે રેકોર્ડ સંખ્યામાં ડિફેન્સ કોન્ટ્રાક્ટ કર્યા હતાં. જે તેના સંરક્ષણ ઈતિહાસમાં નોંધનીય હતાં.
૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મદદરૂપ
છેલ્લા કેટલાક વર્ષથી ભારતને સંરક્ષણ ક્ષેત્રે આર્ત્મનિભર બનાવવાની કવાયત હાથ ધરાઈ છે. સિંહે ગત મહિને ડિફેન્સ કોન્કલેવમાં આ મિશન પર ભાર મૂકતાં કહ્યું હતું કે, ડિફેન્સ સેક્ટરમાં આર્ત્મનિભર બનવાની જરૂર છે. જે ભારતની વ્યૂહાત્મક ઓટોનોમીનું સંવર્ધન કરવાની સાથે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના મહત્ત્વાકાંક્ષી વિઝનને સાકાર કરવામાં મદદરૂપ બનશે.
GDP ને ૪ લાખ કરોડ ડોલરથી વધારી ૩૨ લાખ કરોડ ડોલર સુધી પહોંચાડવાની સફરમાં સંરક્ષણ ક્ષેત્ર મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. જેના માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા, રોજગારીનું સર્જન કરવા અને સિવિલિયન એપ્લિકેશન્સ માટે ડ્યુઅલ-યુઝ ટેક્નોલોજીનો ઉપયોગ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
ભારત સંરક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે. છેલ્લા એક દાયકામાં ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં ધરખમ પરિવર્તન જોવા મળ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ ૨૦૧૫ થી ભારત ટોચના ૨૫ ડિફેન્સ નિકાસકારો પૈકી એક બન્યો છે.
૧૦૦ થી વધુ ભારતીય કંપનીઓ હવે ૧૦૦ થી વધુ દેશોમાં બ્રહ્મોસ મિસાઇલ, પિનાકા રોકેટ લોન્ચર, સિમ્યુલેટર, આર્મર્ડ વાહનો, ડોર્નિયર એરક્રાફ્ટ અને ઓફશોર પેટ્રોલ જહાજો સહિત અત્યાધુનિક પ્લેટફોર્મ અને સિસ્ટમોની નિકાસ કરે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં સંરક્ષણ નિકાસ ત્રીસ ગણી વધીને રૂ. ૨૩,૬૨૨ કરોડે સ્પર્શી હતી.