Last Updated on by Sampurna Samachar
એક જ રાતમાં ૬૨૯ મિસાઇલો અને ડ્રોન છોડ્યા
આ હુમલામાં ૧૪થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લગભગ ચાર વર્ષ થઈ ગયા છે, છતાં કોઈ પક્ષ પીછેહઠ કરવા તૈયાર નથી. તાજેતરમાં, રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કર્યો છે. યુક્રેનનો દાવો છે કે આ હુમલામાં ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા છે અને ૪૮ લોકો ઘાયલ થયા છે, જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.
આ હુમલામાં અનેક રહેણાંક ઇમારતો અને ઑફિસ સેન્ટર્સને નુકસાન થયું છે, જેમાં યુક્રેનમાં યુરોપિયન યુનિયનના પ્રતિનિધિમંડળની ઇમારત પણ સામેલ છે. આ હુમલાની યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ સખત નિંદા કરી છે. તેમણે કહ્યું કે આ હુમલા માટે માત્ર યુરોપીયન યુનિયન જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ દ્વારા નિંદા થવી જોઈએ. તેમણે રશિયા પર નવા અને કડક પ્રતિબંધો લાદવાની પણ માંગ કરી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનએ પણ આ હુમલાની નિંદા કરતાં કહ્યું કે રશિયાએ એક જ રાતમાં ૬૨૯ મિસાઇલો અને ડ્રોન છોડ્યા, જે આતંક અને બર્બરતા દર્શાવે છે.
બંને દેશો વચ્ચેન બેઠક નિષ્ફળ રહી
રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, અમે અમારા તમામ લક્ષ્યો હાંસલ કરી લીધા છે. અમે હુમલો કરવા માટે હાઇપરસોનિક કિંજલ મિસાઇલ, ડ્રોનનો ઉપયોગ કર્યો છે. રશિયા યુક્રેન પર હુમલા કરવાનું ચાલુ રાખશે કારણ કે યુક્રેન પણ રશિયાના રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરી રહ્યું છે.’ જાેકે, રશિયાએ એ પણ કહ્યું કે તે રાજકારણ અને કૂટનીતિ દ્વારા પોતાના લક્ષ્યો હાંસલ કરવા માટે હજુ પણ વાતચીત માટે તૈયાર છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક આંતરરાષ્ટ્રીય નેતાઓએ યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસો કર્યા છે. તાજેતરમાં, ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ત્યારબાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી, પરંતુ આ બંને બેઠકો નિષ્ફળ રહી અને યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ નક્કર ર્નિણય લઈ શકાયો નહીં.