Last Updated on by Sampurna Samachar
પિતરાઇ સાથે લગ્ન મુદ્દે બ્રિટનમાં વિવાદ
પિતરાઇ સાથે લગ્ન કરવાની માન્યતાને રદ કરવા અપીલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બ્રિટનમાં ફર્સ્ટ કઝિન અર્થાત પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે થતાં લગ્નને માન્યતા આપતો કાયદો રદ કરવાની માંગ સાથે શાસક પક્ષ અને વિપક્ષ આમને સામને આવ્યું છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ સ્વાસ્થ્ય સંબંધિત જોખમો ઉપરાંત અન્ય દેશોની સાંસ્કૃતિક પરંપરાનો હવાલો આપતાં પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે લગ્ન કરવાની માન્યતા રદ કરવા અપીલ કરી છે. જોકે, વડપ્રધાન કીર સ્ટાર્મરે ફર્સ્ટ કઝિન મેરેજ પર પ્રતિબંધ મૂકવાનો ઈનકાર કર્યો છે.
તાજેતરના વર્ષોમાં, સ્વાસ્થ્ય જોખમો, સાંસ્કૃતિક પરંપરાઓ અને જાહેર નીતિ પર તીવ્ર વિવાદ થતાં પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે લગ્ન પરંપરા બંધ કરવાની માંગ થઈ રહી છે. આ મુદ્દો મુખ્યત્વે દક્ષિણ એશિયાઈ સમુદાયો (પાકિસ્તાની અને બાંગ્લાદેશી) સાથે સંબંધિત હોવાનું જણાવી કન્ઝર્વેટિવ પાર્ટીએ આ પ્રથા બંધ કરવા માગ કરી છે.
પિતરાઈ ભાઈ-બહેનો વચ્ચેના લગ્ન પર કોઈ પ્રતિબંધ નથી
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે ફર્સ્ટ કઝિન મેરેજ પર પોઝિટિવ વલણ અપનાવ્યુ છે. આ વર્ષની શરૂઆતમાં જ સ્ટાર્મરે જણાવ્યું હતું કે, તે આ પ્રથા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકશે નહીં. તે વૈક્લ્પિક મુદ્દો છે. મેડિકલ એક્સપર્ટ્સ અનુસાર, પિતરાઈ ભાઈ-બહેનના લગ્નમાં જન્મ લેતાં બાળકોમાં સિકલ સેલ રોગ અને સિસ્ટિક ફાઈબ્રોસિસ જેવી બીમારીનું જોખમ વધુ હોય છે. પોતાની લેબર સરકારના સભ્યો સાથે મળી ર્નિણય લીધો છે કે, આ મામલે લોકોમાં જાગૃત્તિ ફેલાવવામાં આવશે.
આ વિવાદો વચ્ચે હાલમાં જ બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસે પિતરાઈ ભાઈ-બહેનના લગ્ન કરવાના લાભ દર્શાવતો રિપોર્ટ પોતાની વેબસાઈટ પર રજૂ કર્યો હતો. આ રિપોર્ટ પર રાજકીય અને સાંસ્કૃતિક વિવાદ વધતાં અંતે બ્રિટિશ સરકાર આ રિપોર્ટ ડિલિટ કરવા મજબૂર બની હતી. રિપોર્ટમાં પિતરાઈ ભાઈ-બહેનના લગ્નના ફાયદાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટ રાષ્ટ્રીય આરોગ્ય સેવાના જીનોમિક્સ શિક્ષણ કાર્યક્રમ હેઠળ બહાર પાડવામાં આવ્યો હતો.
તેનું શીર્ષક હતું ‘શું બ્રિટિશ સરકારે પિતરાઈ ભાઈ-બહેનો વચ્ચેના લગ્નો પર પ્રતિબંધ મૂકવો જોઈએ?‘ તેના પર વિસ્તૃત માહિતી આપતાં રિપોર્ટમાં નોંધ્યું હતું કે, આ લગ્નથી લોકોને પોતાનું પરિવાર વિસ્તરિત કરવાની મંજૂરી મળે છે અને આર્થિક લાભ પણ પૂરા પાડે છે.
NHS રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે વારસાગત રોગોના વધતા જોખમને કારણે આંતર-પરિવાર વિવાહ લાંબા સમયથી વૈજ્ઞાનિક ચર્ચાનો વિષય રહ્યા છે. અહેવાલ મુજબ, ઈ.સ. ૧૫૦૦થી યુકેમાં પિતરાઈ ભાઈ-બહેનના લગ્ન કાયદેસર છે, ત્યારે રાજા હેનરી VIII એ પિતરાઈ બહેન કેથરિન હોવર્ડ સાથે લગ્ન કર્યા હતા.
ઉલ્લેખનીય છે, અમેરિકામાં ફેડરલ સ્તરે પિતરાઈ ભાઈ-બહેનો વચ્ચેના લગ્ન પર કોઈ પ્રતિબંધ નથી, આ પ્રથા ૨૦ રાજ્યોમાં માન્ય છે. વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે, પિતરાઈ ભાઈ-બહેનના લગ્નમાં આનુવંશિક રોગ સાથે બાળક જન્મવાનું જોખમ ઓછું હોય છે. સામાન્ય વસ્તીમાં આનુવંશિક રોગ સાથે બાળક જન્મવાનું જોખમ લગભગ બે થી ત્રણ ટકા છે. પિતરાઈ ભાઈ-બહેનના બાળકોમાં આ જોખમ ચાર થી છ ટકા સુધી વધે છે. તેથી પિતરાઈ ભાઈ-બહેનના મોટાભાગના બાળકો અસ્વસ્થ હોય છે.